5 પુષ્પ પ્રદાન કરશે મનની શાંતિ ! મંગળવારે જ અજમાવી લો આ સરળ ઉપાય
જો તમારું મન શાંત ન રહેતું હોય, સતત તણાવની અનુભૂતિ થતી હોય તો તમારે મંગળવારના દિવસે અચૂક આ ઉપાય અજમાવવો જોઈએ. આ માટે એક માટીનું પાત્ર લેવું. તેમાં ઘઉં નાંખવા અને સાથે લાલ રંગના 5 ફૂલ (flower) પણ મૂકવા.

મંગળવાર એ મંગળકર્તા દેવ શ્રીગણેશને સમર્પિત છે. તો સાથે જ આ દિવસ મંગળમય જીવનની પ્રાપ્તિ માટે પણ અત્યંત ફળદાયી મનાય છે. એટલે કે, જો જીવન અનેકવિધ સંકોટોથી ઘેરાયેલું હોય તો મંગળવારના દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને તમે તેમાંથી મુક્તિની પ્રાપ્તિ કરી શકો છો. મંગળવારના ઉપાયથી તમે આર્થિક સંકટોનું નિવારણ મેળવી શકો છો. તો સાથે જ, 5 પુષ્પના માધ્યમથી મનની શાંતિ પણ પ્રાપ્ત કરી શકો છો. પરંતુ, કેવી રીતે ? આવો, આજે તે સંદર્ભે વિગતે માહિતી મેળવીએ.
કામનાપૂર્તિ અર્થે
મંગળવારનો દિવસ એ ગજાનન શ્રીગણેશને અર્પણ છે. ત્યારે આ દિવસે શ્રીગણેશને લાલ વસ્ત્ર, લાલ ફળ, લાલ ફૂલ અથવા લાલ રંગની મીઠાઈ અર્પણ કરવી જોઈએ. માન્યતા અનુસાર આ વસ્તુઓ ગજાનનને અર્પણ કરવાથી વ્યક્તિની મનોકામનાઓની પૂર્તિ થાય છે.
આર્થિક સંકટથી મુક્તિ અર્થે
જો આપ સતત આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા હોવ તો મંગળવારના દિવસે એક વિશેષ ઉપાયનું અનુસરણ કરવું જોઈએ. આ દિવસે કોઈ દેવી મંદિરમાં અથવા તો ગણેશ મંદિરમાં જઈને ધજા અર્પણ કરવી જોઈએ. સાથે જ આર્થિક સમૃદ્ધિ અર્થે પરમાત્મા સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ. માન્યતા અનુસાર આવું સતત 5 મંગળવાર સુધી કરવાથી ધન પ્રાપ્તિ આડે આવનારા તમામ વિઘ્નો ટળી જાય છે. અને વ્યક્તિને આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે.
લાલ ગાયને રોટલી !
મંગળવારના રોજ જો તમે લાલ રંગની ગાયને રોટલી ખવડાવો છો તો તે આપના માટે અત્યંત ફળદાયી બની રહે છે. પણ, યાદ રાખો કે આ કાર્ય સવારના સમયે જ કરવું જોઈએ.
નારિયેળથી શુભાશિષ !
મંગળવારના દિવસે કોઈ ગણેશ મંદિરમાં કે પછી હનુમાન મંદિરમાં જઈને તેમને નારિયેળ અર્પણ કરવું જોઈએ. માન્યતા અનુસાર આ કાર્ય અત્યંત શુભ મનાય છે.
દાનથી કૃપા પ્રાપ્તિ
⦁ મંગળવારના દિવસે દાન કરવું પણ સવિશેષ લાભદાયી મનાય છે. આ માટે લાલ પુષ્પ, લાલ ગુલાબ અથવા લાલ કનેરનું દાન આપ કરી શકો છો.
⦁ આ દિવસે મધ, કેસર, ઘઉં, મસૂરની દાળ, લાલ મરચા જેવી ખાદ્ય સામગ્રીનું દાન કરવું પણ શુભ મનાય છે.
⦁ સિંદૂર, તાંબાનું પાત્ર, સુવર્ણ, કસ્તુરી, લાલ ચંદન, લાલ પત્થર કે લાલ મૂંગાનું દાન કરવું પણ અત્યંત ફળદાયી બની રહે છે.
મનની શાંતિ અર્થે વિશેષ ઉપાય
જો તમારું મન શાંત ન રહેતું હોય, સતત તણાવની અનુભૂતિ થતી હોય તો તમારે મંગળવારના દિવસે અચૂક આ ઉપાય અજમાવવો જોઈએ. આ માટે એક માટીનું પાત્ર લેવું. તેમાં ઘઉં નાંખવા અને સાથે લાલ રંગના 5 ફૂલ પણ મૂકવા. ત્યારબાદ તે પાત્રને ઢાંકીને ઘરની અગાસી પર પૂર્વ ખૂણામાં મૂકી દેવું. બીજા મંગળવાર સુધી આ પાત્રને સ્પર્શ ન કરવો. અઠવાડિયા પછી મંગળવારના દિવસે જ તે પાત્રમાં રાખેલા ઘઉંને ઘરના ધાબે જ ફેલાવી દેવા. તેમજ તે પાત્રમાં રહેલા ફૂલને ઘરના મંદિરમાં મૂકી દેવા. માન્યતા અનુસાર આ ખાસ ઉપાયના પ્રતાપે આપના જીવનનો તમામ તણાવ દૂર થઈ જશે અને તમે ખૂબ જ શાંતિનો અનુભવ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)