Hondaએ લગભગ 3 લાખ ગાડીઓ કરી રિકોલ, જાણો શું છે કારણ ?
હોન્ડાએ જણાવ્યું હતું કે જે વાહનોના મોડેલોમાં એન્જિનની સમસ્યા છે તેમના માલિકોનો માર્ચમાં ઇમેઇલ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ મેઇલમાં તે કાર માલિકોને કહેવામાં આવશે કે તેઓ તેમના વાહનો હોન્ડાના અધિકૃત અથવા એક્યુરા ડીલર પાસે લઈ જાય અને ત્યાં ખામી દૂર કરાવે.

Hondaએ તેની લગભગ 3 લાખ ગાડીઓ માટે રિકોલ જાહેર કર્યું છે. આ અંગે કંપનીએ 29 જાન્યુઆરી, 2025ના રોજ એક પ્રેસ રિલીઝ બહાર પાડી હતી. કારના એન્જિનમાં સમસ્યાની ફરિયાદ ઉઠતાં કંપનીએ અમેરિકામાં લગભગ 2.95 લાખ કાર માટે રિકોલ જાહેર કર્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કારમાં શું ખામી સર્જાઈ છે.
પ્રેસ રિલીઝમાં ફ્યુઅલ ઇન્જેક્શન ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટના ખામીયુક્ત પ્રોગ્રામિંગ વિશે માહિતી આપવામાં આવી છે. નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન અનુસાર, હોન્ડાએ કહ્યું છે કે કારના એન્જિનમાં ખામીને કારણે થ્રોટલમાં અચાનક ફેરફાર થઈ શકે છે, જેના કારણે એન્જિનની ડ્રાઇવ પાવર ઘટી શકે છે, એન્જિન વચ્ચે-વચ્ચે અટકી શકે છે અથવા તે અચાનક બંધ પણ થઈ શકે છે. કાર ચલાવતી વખતે અચાનક એન્જિન ફેલ થવાથી કોઈ પણ મોટો અકસ્માત થઈ શકે છે.
હોન્ડાના કયા મોડેલોમાં ખામી સર્જાઈ છે ?
નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન અનુસાર, 2022-2025 Acura MDX Type-S, 2023-2025 Honda Pilot અને 2021-2025 Acura TLX Type-S વાહનોને રિકોલ કરવામાં આવ્યા છે.
જે વાહનોના મોડેલોમાં એન્જિનની સમસ્યા છે તે વાહન માલિકને જાણ કરાશે
હોન્ડાએ જણાવ્યું હતું કે જે વાહનોના મોડેલોમાં એન્જિનની સમસ્યા છે તેમના માલિકોનો માર્ચમાં ઇમેઇલ દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ મેઇલમાં તે કાર માલિકોને કહેવામાં આવશે કે તેઓ તેમના વાહનો હોન્ડાના અધિકૃત અથવા એક્યુરા ડીલર પાસે લઈ જાય અને ત્યાં FI-ECU સોફ્ટવેર અપડેટ કરાવે. કાર માલિકોએ આ માટે કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં.
હોન્ડાએ કાર માલિકો માટે ગ્રાહક સેવા નંબર પણ બહાર પાડ્યો છે. કાર માલિકો આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકે છે. ગ્રાહક સેવા નંબર 1-888-234-2138 છે. હોન્ડાએ આ રિકોલ માટે EL1 અને AL0 નંબર આપ્યા છે. આ ઉપરાંત, કાર માલિકો NHTSA ની વાહન સલામતી હોટલાઇન 1-888-327-4236 પર કોલ કરીને અથવા વેબસાઇટ nhtsa.govની મુલાકાત લઈને પણ માહિતી મેળવી શકે છે.