Good News for Gujarat : આ તારીખે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી, જુઓ Video

ગુજરાતમાં ગાજવીજ, ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. ખેડૂતોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

Good News for Gujarat : આ તારીખે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી, જુઓ Video
| Updated on: May 26, 2026 | 8:56 PM

ગુજરાત રાજ્યના હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે, જે મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની શક્યતા છે. આ વરસાદ ગરમીથી ત્રસ્ત જનતા માટે રાહત લઈને આવશે, જોકે ખેડૂતો માટે તે ચિંતાનો વિષય પણ બની શકે છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, જેના પરિણામે રાજ્યભરમાં ગરમીથી મોટી રાહત અનુભવાશે. આ સમયગાળા દરમિયાન, એટલે કે 30 મેથી 1 જૂન વચ્ચે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અને અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ નોંધાઈ શકે છે.

દિવસવાર વરસાદની આગાહી વિગતવાર જોઈએ તો….

30 મે: આ દિવસે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ બનશે.

31 મે: 30 મેના જિલ્લાઓ એટલે કે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની સાથે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના છે.

1 જૂન: આ દિવસે વરસાદનું પ્રમાણ અને વ્યાપ વધવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદની સાથે છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે.

આ વરસાદ ભલે ગરમીથી રાહત આપનારો હોય, પરંતુ ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય રહેલો છે. હવામાન વિભાગે ખેડૂતોને આફત બનીને આવી શકે તેવા પવન અને વરસાદથી બચવા માટે સાવચેતીના પગલાં લેવા વિનંતી કરી છે. પાકની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા અને હવામાનની પલટાતી સ્થિતિ પર નજર રાખવા પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યના નાગરિકોને પણ આ સમયગાળા દરમિયાન જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ‘મોટો વરતારો’

Published On - 8:55 pm, Tue, 26 May 26

Follow Us