
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં મેઘરાજાના આગામી રૌદ્ર સ્વરૂપ અંગે વિસ્તૃત આગાહી કરી છે. તેમના મતે, આગામી ૩ થી ૬ જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વરસાદને કારણે અનેક સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
અંબાલાલ પટેલના વિશ્લેષણ મુજબ, બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે, જે બીજી-ત્રીજી જુલાઈએ વધુ મજબૂત બનશે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર થશે, જેના પરિણામે 3, 4, 5 અને 6 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મહીસાગર, વડોદરા અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની અને પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે આ વખતે મેઘરાજા પુષ્કળ વરસશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે. રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં નર્મદા નદી અને ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ જામનગર અને ગીરમાં ધોધમાર વરસાદની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલના મતે, આ ઉપરાંત 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે. જુલાઈ મહિનામાં વ્યાપક અને સારો વરસાદ પડશે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, હળવદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એક પછી એક બે હવાના હળવા દબાણ અને બે સિસ્ટમોના ઉદ્ભવને કારણે બંગાળના ઉપસાગર પરથી ભારેથી અતિભારે વરસાદ વહન કરીને લાવવાની શક્યતા છે. કેટલાક ટ્રફ, કેટલાક સાઇક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં બનતું લો-પ્રેશર – આ તમામ પરિબળો આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ માટે જવાબદાર રહેશે.
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 72 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 5 ઈંચ, જુઓ Video
Published On - 6:41 pm, Wed, 1 July 26