
ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન આગાહીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે હવે તેઓ હવામાન અંગે કોઈ આગાહી નહીં કરે. વર્ષોથી પોતાની પરંપરાગત પદ્ધતિ અને જ્યોતિષ આધારિત આગાહીઓ માટે જાણીતા અંબાલાલ પટેલના આ નિવેદનથી તેમના અનુયાયીઓમાં પણ ચર્ચા જાગી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા વારંવાર તેમની આગાહીઓને લઈને વિવાદ ઊભા કરવામાં આવે છે. તેમના કહેવા મુજબ, દરેક આગાહી બાદ બિનજરૂરી ચર્ચાઓ અને ટીકાઓ થતી હોવાથી હવે તેઓ આ પ્રકારના વિવાદોમાં પડવા માંગતા નથી.
તેમણે વધુમાં કહ્યું કે તેમની ઉંમર થઈ ગઈ છે અને હવે તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા ઇચ્છતા નથી. તેથી હવામાન અંગે જાહેર આગાહીઓ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
અંબાલાલ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ, ચોમાસું, વાવાઝોડું અને હવામાન સંબંધિત આગાહીઓ માટે જાણીતા રહ્યા છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તેમની આગાહીઓ ચર્ચાનું કેન્દ્ર બનતી રહી છે. જોકે હવે તેમના આ નિર્ણય બાદ હવામાન અંગે તેમની જાહેર આગાહીઓ નહીં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ દાયકાથી અંબાલાલ પટેલને વ્યક્તિગત રીતે ઓળખે છે અને તેમની વર્ષોથી કરવામાં આવતી હવામાન આગાહીઓથી પરિચિત છે. નીતિન પટેલે કહ્યું કે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે અને અંબાલાલ પટેલે પણ વર્ષોથી લોકોના હિતમાં હવામાન અંગે આગાહીઓ કરી છે. તેમણે અંબાલાલ પટેલને આગાહી કરવાનું બંધ ન કરવા વિનંતી કરતાં કહ્યું કે લોકો તેમની આગાહીઓ પર વિશ્વાસ રાખે છે અને ખાસ કરીને ખેડૂતો સહિત અનેક લોકો તેમના અનુમાનની રાહ જોતા હોય છે. તેથી તેમણે અંબાલાલ પટેલને વિવાદોથી નિરાશ થયા વગર અગાઉની જેમ હવામાન અંગે આગાહીઓ ચાલુ રાખવાની અપીલ કરી છે.
મહત્વનું છે કે હવામાન આગાહીકારોને લઈને વિજ્ઞાન જાથાએ ફરી વિરોધનો સૂર ઉઠાવ્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ દાવો કર્યો કે હાલમાં કરવામાં આવતી અનેક હવામાન આગાહીઓ બોગસ છે અને તેના કારણે ખેડૂતો ખોટા નિર્ણયો લેતા હોવાથી તેમના બિયારણ અને પાકને નુકસાન થઈ રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે આવી આગાહીઓ કરનારા લોકો પાસે કોઈપણ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો કે પ્રમાણભૂત પદ્ધતિ નથી. વિજ્ઞાન જાથાએ આવા આગાહીકારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે જણાવ્યું કે લોકોને ગેરમાર્ગે દોરતી ખોટી આગાહીઓ કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવે અને જરૂર પડે તો તેમને કાયદેસરની કાર્યવાહી હેઠળ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.
આ પણ વાંચો- Breaking News : ઝાપટપરા બન્યું ઈસ્લામપુરા! નામ બદલાતા રહીશોમાં આક્રોશ, જુઓ Video
Published On - 1:43 pm, Mon, 13 July 26