Uttarakhand: ચારધામ યાત્રાના બદલાયા નિયમો, 50 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે લાગુ પડશે નિયમો
જો તમે ચારધામની યાત્રા પર જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ઉત્તરાખંડ સરકારે હવે ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે.
Uttarakhand: જો તમે ચારધામની યાત્રા પર જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ઉત્તરાખંડ સરકારે (Government of Uttarakhand) હવે ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો 50 વર્ષથી વધુ વયના લોકોને લાગુ પડશે. 50 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે આરોગ્યની તપાસ ફરજિયાત કરવામાં આવી છે. જે યાત્રાળુઓ તપાસમાં અનફિટ જણાશે તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવશે. યાત્રાળુઓના મોતનો આંકડો વધી રહ્યો હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. કારણ કે, આ વર્ષે ચારધામની યાત્રા દરમિયાન 106 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ અનુસાર અત્યાર સુધી કેદારનાથમાં 50, બદ્રીનાથ ધામમાં 21, ગંગોત્રીમાં 7 અને યમુનોત્રીમાં 28 યાત્રાળુઓનાં મોત થયા છે. વર્ષ 2019માં 90 યાત્રાળુઓનાં મોત થયા છે. જ્યારે 2018માં 102 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો હતો.
કેદારનાથમાં મફત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી સિક્સ સિગ્મા હેલ્થકેરના વડા પ્રદીપ ભારદ્વાજ પ્રમાણે, મોટાભાગના મૃત્યું શ્રદ્ધાળુઓની નબળી રોગપ્રતિકારક શક્તિ, પહેલા કોરોના પછી ખરાબ હવામાન અને વધુ શ્રદ્ધાળુઓના કારણે રહેવાની અપૂરતી વ્યવસ્થાને કારણે થઈ રહ્યા છે. ભારદ્વાજનું કહેવું છે કે, મેદાની પ્રદેશોમાંથી આવતા લોકો હિમાલયના ઠંડા હવામાન સાથે તાલમેલ રાખી શકતા નથી. ઊંચાઈ અને ઠંડીના કારણે તેમને વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. એટલું જ નહીં કેટલાક મુસાફરો પુરતા ગરમ કપડા પણ લાવી રહ્યા નથી. જેના કારણે તેમને હાઈપોથર્મિયા થઈ રહ્યો છે.