ગુજરાતમાં પાર્કિંગ પોલિસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે સોગંદનામું દાખલ કર્યું

ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે સોગંદનામું દાખલ કર્યું છે.જેમાં રજૂઆત કરવામાં આવી છે કે આ કામગીરી ટ્રાન્સપોર્ટ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી નથી.

DELHI : ગુજરાતમાં પાર્કિંગ પોલિસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે.જેમાં ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે સોગંદનામું દાખલ કર્યું છે.જેમાં રજૂઆત કરવામાં આવી છે કે આ કામગીરી ટ્રાન્સપોર્ટ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી નથી. શહેરીકરણનું વિશેષ જ્ઞાન ધરાવતી ઓથોરિટી જ આ પ્રકારની નીતિ ઘડવા માટે સક્ષમ છે. મોલ-મલ્ટિપ્લેક્સ સહિતની કોમર્શિયલ જગ્યાઓ પર ફ્રી પાર્કિંગના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી પિટિશનની સુનાવણી અત્યારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ અનિરૃદ્ધ બોઝની ખંડપીઠ સમક્ષ ચાલી રહી છે. જેમાં ગત 4 સપ્ટેમ્બરની સુનાવણીમાં ગૃહમંત્રાલય, ટ્રાન્સપોર્ટ વિભાગ અને શહેરી વિકાસ વિભાગને સોગંદનામું કરી યુનિફોર્મ પાર્કિંગ પોલિસી મુદ્દે જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

બંદર અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે શહેરીકરણ અને તેની સાથે સંકળાયેલા વિષયો થોડાં જટીલ અને તજજ્ઞતા માગી લે તેવા હોય છે. આવાં વિષયો શહેરીકરણનું વિશેષ જ્ઞાન અને સત્તા ધરાવતા વિભાગો જેમ કે ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, શહેરી આવાસ વિભાગ અને સ્થાનિક સત્તાતંત્રનો વિષય છે. આ પિટિશનની સુનાવણી હવે 14 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

ગત તારીખ 4 સપ્ટેમ્બરે ગુજરાતના શહેરોમાં લેવાતા પાર્કિંગ ચાર્જ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું હતું કે સરકાર તમામ મહાનગરપાલિકાઓને બંધનકર્તા નીતિ બહાર પાડે. પાર્કિંગ તેમજ ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે તેમ સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું, તથા મોલ અને માર્કેટમાં તેમજ પબ્લિક પાર્કિંગના અભાવે મેટ્રોપોલિટન સિટીમાં ટ્રાફિક એક ગંભીર સમસ્યા હોવાનું સુપ્રીમ કોર્ટે ટાંક્યુ હતું.

સરકારે કોઈ ચોક્કસ નીતિ કે નિર્દેશિકા બહાર પાડી નથી, બધા શહેરોમાં એક સરખી નીતિ હોવી જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવોને આગામી આખરી મુદત પહેલા આખરી તક રૂપે સોગંદનામાં રજૂ કરવા આદેશ કર્યો હતો.સરકારે ટાઉન પ્લાનિંગ એક્ટ કે જીડીસીઆરમાં ચોક્કસ નિર્દેશિકા કે જાહેરનામું બહાર પાડવું જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

આ પણ વાંચો : TAPI : ઉકાઈડેમની જળ સપાટી રુલ લેવલ પર, 4 હાઈડ્રો યુનિટ ચાલુ કરી પાણી છોડવામાં આવ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati