Kam Ni Vaat : આયુષ્માન ભારત યોજનાનો કેવી રીતે મેળવશો લાભ? કેવી રીતે, ક્યાં કઢાવશો આયુષ્માન કાર્ડ ? જાણો તમારા કામની વાત
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના ચલાવવામાં આવી રહી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના.
કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર (Free treatment) આપવા માટે એક વિશેષ યોજના ચલાવવામાં આવી રહી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana- PMJAY) . જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ (Ayushman Card) કેવી રીતે કઢાવવું ? કયા મળશે લાભ ? ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે ? કઈ જગ્યાએ અરજી કરવી.. જાણો તમારા કામની વાત.
આયુષ્માન ભારત યોજના શું છે?
1. આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ (Healthcare Project) છે.
2. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (Health and Wellness Center-HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY).
3. PMJAY યોજના હેઠળ દસ કરોડથી વધુ પરિવારોને રૂ.5 લાખના આરોગ્ય વીમા (Health insurance) હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
4. આ યોજનામાં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર પૂરી પડાય છે જેને સરકારે મંજૂરી આપી છે.
5. ગરીબ લોકો ગંભીર બિમારીઓમાં સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ?
PMJAYની કોઈ ખાસ આયુષ્માન ભારત નોંધણી પ્રક્રિયા નથી. PMJAY SECC 2011 એટલે કે સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી દ્વારા ઓળખાયેલા તમામ લાભાર્થીઓને લાગુ પડે છે. જેઓ પહેલાથી RSBY અને અમૃતમ યોજનાનો ભાગ છે.
જો કે, તમે PMJAY ના લાભાર્થી બનવા માટે પાત્ર છો કે કેમ અને આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ છે કે નહિ તે જાણવા માટે ચકાસવું પડશે આયુષ્માન ભારત યોજનાનું લીસ્ટ.
કેવી રીતે ચકાસશો આયુષ્માન ભારત યોજનાનું લીસ્ટ ?
1. સૌથી પહેલા Mera PMJAY પોર્ટલની મુલાકાત લો.
2. તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને ‘OTP જનરેટ કરો’ પર ક્લિક કરો.
3. પછી તમારું રાજ્ય પસંદ કરો અને તમારું નામ HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો.
4. શોધ પરિણામોના આધારે તમે ચકાસી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે કેમ.
5. ત્યારબાદ તમને 24 અંકનો HHID નંબર જોવા મળશે, જે તમારે સાચવીને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે તેની જરૂર પડશે.
6. આ ઉપરાંત તમે PMJAY માટે લાયક છો કે નહીં તે જાણવા માટે કોઈપણ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો જે આ યોજના હેઠળ ચાલતી હોય.
7. અથવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર નંબર-14555 અથવા 1800-111-565 પર ડાયલ કરી શકો છો.
જે HHID નંબર તમને મળ્યો છે તે લઈને તમે નજીકની હોસ્પિટલમાં જઈને આયુષમાન કાર્ડ (Ayushman Card) બનાવી શકો છે. અથવા નજીકના CSC સેન્ટર પર જઈને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો.
આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડૉક્યુમેન્ટ્સ
– લાભાર્થીનું આધાર કાર્ડ
– રાશન કાર્ડ
– મોબાઈલ નંબર
– પાસપોર્ટ સાઇઝ ફોટો
– HHID નંબર
આયુષ્માન કાર્ડના ફાયદા
યોજના હેઠળ ગરીબ લોકો 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે. અત્યારે 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.