Remdesivir injection Racket: રાજ્યમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ? જાણો મોતનાં સોદાગરોની કરમ કુંડળી અને કારનામા

Remdesivir injection Racket: અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, મોરબી, ઓલપાડ, આણંદ આમા હજુ નાના શહેર કે ગામ પણ ઉમેરાઈ શકે છે ગુજરાતનાં કે જ્યાં કૌભાંડીઓ કોરોનાનાં કપરા કાળમાં પોતાની જાત બતાવી રહ્યા છે.

| Updated on: May 03, 2021 | 2:43 PM

Remdesivir injection Racket: અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, મોરબી, ઓલપાડ, આણંદ આમા હજુ નાના શહેર કે ગામ પણ ઉમેરાઈ શકે છે ગુજરાતનાં કે જ્યાં કૌભાંડીઓ કોરોનાનાં કપરા કાળમાં પોતાની જાત બતાવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિર માટે કોરોનાનાં દર્દીઓનાં સગા કલાકોનાં કલાકો લાઈનમાં ઉભા રહે છે પણ વારો નથી આવતો.  અમુક વાર તો ઈન્જેક્શન હાથમાં આવતા સુધીમાં દર્દીએ દમ તોડી દીધો હોય છે ત્યારે રાજ્યની અસ્મિતા પર ધબ્બો લગાડનારા અને માવનતા પર કલંક સમા આવા તત્વો એ ફેલાવેલી જાળને કેમ સરકાર તોડી નથી શકતી તે એક સવાલ છે.

રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારીના પર્દાફાશનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠા, મહેસાણા અને અમદાવાદમાં કાળાબજારીઓ પોલીસ સકંજામાં આવ્યા છે. બનાસકાંઠામાં રેમડેસિવિરની ગેરકાયદે ખરીદી કરી, ઊંચા ભાવે વેચાણ કરતા યુવકની પોલીસે ધરપકડ કરી.

મહેસાણાના વિસનગરની ખાનગી હોસ્પિટલની નર્સ સહિત ઇન્જેકશનની કાળાબજારી કરતા ત્રણ શખ્સો ઝડપાયા તો અમદાવાદની ઝોન-2ની DCP સ્ક્વૉડે બાતમીને આધારે રેડ કરી એક આરોપીને 58 રેમડેસિવિર ઈન્જેક્શન સાથે ઝડપી પાડ્યો. અમદાવાદનાં રામોલમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી કે જેની પાસેથી  4 ઇન્જેક્શન, મોબાઇલ, રોકડ મળ્યા.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારના તપોવન સર્કલ પાસેથી પોલીસે વધુ એક કાળાબજારીયાને 58 રેમડેસિવિર ઈન્જેક્શન સાથે ઝડપી પાડ્યો. ઝોન 2 ડીસીપી વિજય પટેલની સ્કવૉડે બાતમીના આધારે ચાંદખેડાના આશ્રય સિરિનમાં રહેતા રાહુલ પટેલની ધરપકડ કરી. આરોપી પ્રતિબંધિત રેમડેસિવિર ઈન્જેક્શન 5 હજાર રૂપિયામાં વેચાણ કરતો હતો.

આ ઈન્જેક્શન આરોપી તેના મિત્ર રાહુલ ઝવેરી પાસેથી લાવ્યો હતો. પોલીસે 2.90 લાખના 58 રેમડેસિવિર ઈન્જેક્શન સાથે 3.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાલડીનો વોન્ટેડ આરોપી રાહુલ ઝવેરી ફાર્માસ્યુટીકલ કંપનીમાં નોકરી કરતો હતો જેથી તપાસનો રેલો કંપનીના કર્મચારી સુધી પણ લંબાશે.

વાત સુરતની કરીએ તો નકલી રેમડેસિવિર ઇન્જકેશનનું રાજયવ્યાપી કૌભાંડ હોવાની શકયતા જોવાઈ રહી છે. મોરબીથી શરૂ થયેલી તપાસનો રેલો અન્ય 8 શહેરો સુધી પહોંચ્યો છે. નકલી રેમડેસિવિર કૌભાંડના માસ્ટરમાઇન્ડ પોલીસ સકંજામાં
મોરબીના સેવાભાવીએ પત્ની અને સગાઓ માટે 50 ઇન્જેક્શનો ખરીદ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. વડોદરામાં પણ 360 જેટલા ઇન્જેક્શનો કયાં કયાં દર્દીને અપાયા તેની તપાસ પોલીસે અલગ અલગ ટીમો બનાવી શરૂ કરી છે.

કોરોનાના કપરા કાળમાં કાળાબજારિયા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કમાણીની તક ઝડપી રહ્યાં છે. સુરતના ઓલપાડ તાલુકાના પીંજરત ગામના ફાર્મ હાઉસમાંથી તો આખે આખી નકલી રેમડેસિવિર બનાવવાની આખી ફેક્ટરી ઝડપાઈ. મોરબી પોલીસે ઓલપાડ પોલીસને સાથે રાખીને ફાર્મ હાઉસ પર રેડ કરી. અહીં કેટલાક તત્વો ગ્લુકોઝ, પાણી, મીઠુ નાંખી નકલી લેબલ લગાવીને રેમડેસિવિર ઈન્જેક્શન બનાવતા હતા.

આ શખ્સોનું 60 હજાર નકલી ઈન્જેક્શન વેચવાનું પ્લાનિંગ હતું. અમદાવાદના જુહાપુરા, વડોદરા અને મોરબીમાંથી કેટલાક લોકો આવા નકલી ઈન્જેક્શન વેચી આપતા હતા. આ રેમડેસિવિર ઈન્જેક્શન રાહુલ અને રવિરાજ લોહાણા પ્રિસ્ક્રિપ્શન વગર જરૂરિયાતમંદોને પધરાવી દેતા હતા. આ બે શખ્સો પાસેથી 117 ઈન્જેક્શન અને 2 લાખની રોકડ મળી છે. આ કાળાબજારિયા સામે માનવવધ, એપેડેમિક એક્ટ, ષડયંત્ર રચના સહિતની કલમો લગાવીને ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં અસલી રેમડેસિવિરનાં કાળાબજાર અને નકલી ઈન્જેક્શનનાં કૌભાંડ વચ્ચે રાજ્યનું પોલીસ તંત્ર હવે એક્શન મોડ પર છે અને મોરબીમાંથી નકલી રેમડેસિવિર ઝડપાવાનાં કિસ્સાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી તો મોરબીથી ઝડપાયેલા નકલી ઇન્જેક્શનનો રેલો કડી પહોંચ્યો. તપાસમાં કડીની અમન મેડીકલના માલિક યુસુફનું નામ ખુલ્યું જથી કરીને કડીની અમન મેડીકલના માલિકની ધરપકડ કરી લેવામાં આવી. યુસુફે 700 નકલી રેમડેસીવીર ખરીદયા હોવાનું તપાસમાં  સામે આવ્યું છે.

ફાર્મસી કાઉન્સીલે પણ નોટિસ જાહેર કરી છે કે સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ કરી દેવાશે. ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે જેમાં જણાવાયું છે કે મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ફાર્મસી એક્ટ મુજબ છ મહિના જેલની સજા પણ થશે છતાં પણ આના બેનંબરીયાઓ પોતાનો સ્વભાવ નથી છોડી રહ્યા.

વાત કરીએ વડોદરા-આણંદની તો,  ગુજરાતના સૌથી મોટા રેમડેસિવિર ઇન્જેકશન કૌભાંડનો પર્દાફાશ થયો છે અને વડોદરા ક્રાઇમ બ્રાંચે 90 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે 5 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ એક રેમડેસિવિર ઇન્જેક્શન રૂ.20 હજારમાં વેચતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે પકડાયેલા પાંચેય આરોપીઓ કોઇપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેકશન વેચતા હતા અને અત્યાર સુધીમાં 300થી 400 ઇન્જેક્શનનો વેપાર કરી ચૂક્યા છે.

ઇન્જેકશનના કાળાબજારીના ગોરખધંધામાં ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સીની સંડોવણી સામે આવી છે. પકડાયેલા આરોપીઓમાં ઋષી જૈધ, પ્રતિક પંચાલ, વિકાસ પટેલ, જતીન પટેલ અને મનન શાહનો સમાવેશ થાય છે. વિકાસ પટેલ શ્રોફ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને આણંદના જતીન પટેલ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો.

જતીન પટેલ એક મેડિકલ એજન્સી ચલાવે છે. ક્રાઇમ બ્રાંચે વડોદરામાંથી 45 અને આણંદમાંથી 45 મળીને 90 ઇન્જેકશન જપ્ત કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે જપ્ત કરેલા રેમડેસિવિર ઇન્જેકશન યોગ્ય કાર્યવાહી બાદ સયાજી હોસ્પિટલને સોંપવામાં આવશે ત્યારે ક્રાઇમ બ્રાંચે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપેલા રેમડેસિવિર ઇન્જેકશન નકલી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે સાથે જ ક્રાઇમ બ્રાંચે વધુ 2100 જેટલા રેમડેસિવિર ઇન્જેકશન સાથે 7 કરતા વધારે આરોપીની  ધરપકડ કરી ચુકી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ રાઘવપુરાના અંતરિયાળ ખેતરો વચ્ચે આવેલા પ્રણામી ફાર્મ હાઉસમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવતા હતા.

કોઇને શક ન જાય તે માટે ફાર્મ હાઉસમાં ગદર્ભો પણ રાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે ગઇકાલે ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓને 90 જેટલા રેમડેસિવિર ઇન્જેકશન સાથે ઝડપી લીધા હતા ત્યારે આ સમગ્ર કૌભાંડમાં ક્રાઇમની તપાસમાં હજુ પણ વધુ કેટલાક ખુલાસા થવાની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં આફતને અવસરમાં ફેરવવા નિકળેલા અનેક લોકો ઝડપાઈ ચુક્યા છે અને હજુ નહી ઝડપાયેલા કદાચ આ ધંધો કરી પણ રહ્યા હોય ત્યારે રાજ્ય પોલીસે આવો તત્વોને કડક રીતે નસિયત કરવાની જરૂર છે કે જેથી કરીને આગળ કોઈ આવું વિચારી પણ ન શકે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">