સૌરાષ્ટ્રથી ચારધામ યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ફસાયા, યમનોત્રી-ગંગોત્રીનું ઓફલાઈન રજીસ્ટ્રેશન 10 દિવસ કરાયુ બંધ

|

May 13, 2024 | 3:01 PM

આ વર્ષે ચારધામ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોની મોટી સંખ્યાને કારણે તંત્ર દ્વારા ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કેટલાક દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જેથી કરીને આ બન્ને યાત્રાધામ ખાતે ઉમટેલા યાત્રિકોની સંખ્યાને નિયંત્રિત કરી શકાય. સૌરાષ્ટ્રથી ચારધામની યાત્રાએ ગયેલા અનેક યાત્રિકો રસ્તામાં ફસાયા હોવાનુ સામે આવ્યું છે.

આ વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ થવાની સાથે જ વિક્રમી સંખ્યામાં યાત્રિકો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પહોચી રહ્યાં છે. મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા તંત્ર દ્વારા યાત્રિકો માટે કરાયેલ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે. જેના કારણે ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી 23મી મે સુધી બંધ કરી દેવામાં આવી છે. એનો મતલબ એ થયો કે, જે લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે જ યાત્રિકોને ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા કરવા મળશે. હરિદ્વારથી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવીને યાત્રા કરવા ઈચ્છતા યાત્રિકો 23 મી મે સુધી આ બન્ને ધામના દર્શને નહીં જઈ શકે.

ચારધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. યાત્રાધામના માર્ગ ઉપર
એકાએક ટ્રાફિક વધી જતા વાહનોની 2થી 4 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી જવા પામી છે. યાત્રાએ ગયેલા યાત્રાળુઓમાંથી મોટાભાગના ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગંગોત્રી-યમનોત્રીમાં ભારે ટ્રાફિકના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારી તંત્ર દ્વારા યાત્રાળુઓને માર્ગમાં રોકી દેવામાં આવ્યા છે. જેથી ઉપર જઈ રહેલા અને નીચે ઉતરી રહેલા વાહનોને કોઈ વધુ મુશ્કેલીનો સામનો ના કરવો પડે.

Published On - 2:34 pm, Mon, 13 May 24

Next Video