Ahmedabad: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી ન આપીને 1.25 કરોડની ઉચાપત કરનાર 2 અધિકારીઓના આગોતરા જામીન નામંજૂર
અમદાવાદ જિલ્લાની 42 શાળાઓમાં આરઓ પ્લાન્ટ મામલે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીઓ દ્વારા 1.25 કરોડની ઉચાપત કરવામાં આવી છે.
શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર ઘણા પગલાં ભરી રહી છે. પરંતુ ઘણીવાર આ સુવિધા બાળકો સુધી પહોંચતી જ નથી વચેટિયા જ ચાઉં કરી જાય છે. આવો જ એક મામલો હાલમાં સામે આવ્યો છે. શાળામાં આરઓ પ્લાન્ટને બદલે પીપડા આપી દઈ સવા કરોડની ઉચાપત કરી હતી.
અમદાવાદ (Ahmedabad) જિલ્લાની 42 શાળાઓમાં RO પ્લાન્ટ મામલે સવા કરોડની ઉચાપતના કેસમાં આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. મિર્ઝાપુર કોર્ટે(Mirzapur Court) નાયબ ટીડીઓ આર.સી. ઉપાધ્યાય અને કાર્યપાલક ઈજનેર મનીષા પટેલના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. ધરપકડથી બચવા માટે આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટ ફગાવી દીધી હતી.
આ કેસમાં બંને અધિકારીઓને ખોટી રીતે સંડોવી દેવાયા હોવાનો પક્ષ રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટે કોઈ રજૂઆતને ધ્યાનમાં રાખી ના હતી. કોર્ટ શરતી જામીન આપે તો એ શરતોનું પાલન કરવા માટે પણ તૈયાર હોવાની બાંહેધરી આપી હતી.
બીજી તરફ સરકારી વકીલ દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી હતી. 42 જેટલી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળે એ માટે 1.25 કરોડ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ જે રકમ ખોટી રીતે આરસી ઉપાધ્યાય અને મનીષા પટેલ દ્વારા ખંખેરી લેવામાં આવી હતી. નાયબ ટીડીઓ આર.સી. ઉપાધ્યાય અને કાર્યપાલક ઈજનેર મનીષા પટેલ દ્વારા સાંઠગાંઠ કરીને એજન્સીને કામ સોંપ્યું હતું. બંને આરોપી અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા સિવાય જ બીલો પાસ પણ કરી દીધા હતા.
સાણંદ પોલીસે આ મામલે 18 શાળાઓમાં તપાસ કરી છે અને હજી 24 શાળાઓમાં તપાસ બાકી છે. કોર્ટે કહ્યું, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપીની તપાસ માટે જરૂર નથી. આ મામલે નાયબ ટીડીઓ અને કાર્યપાલક ઈજનેર દ્વારા 1.25 કારોડની ઉચાપત કર્યાનો આરોપ છે. આરોપી નાયબ ટીડીઓ અને કાર્યપાલક ઈજનેર દ્વારા અઢી લાખના આર.ઓ. પ્લાન્ટને બદલે 2 હજારના પીપડા પધરાવીને સવા કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સૈનિક સ્કૂલ જામનગરમાં પ્રવેશ માટે ઑનલાઇન મંગાવવામાં આવી અરજીઓ, જાણો વિગત અને ક્યાં કરશો અરજી