Banaskantha: ભાભરમાં બે વર્ષથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો, જુઓ Video
ભાભરમાં ગુમ થયેલા શખ્સે પોતાની પ્રેમિકાના ખેતરમાં આપઘાત કરી લીધો હોવાની ઘટના બની હતી જેમાં મૃતકની પ્રેમિકા, તેના પતિ અને અન્ય એક શખ્સે ભેગા મળીને મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Banaskantha: ભાભરમાં બે વર્ષથી ગુમ થયેલા શખ્સનો LCBએ ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં ગુમ થયેલા શખ્સે પોતાની પ્રેમિકાના ખેતરમાં આપઘાત કરી લીધો હોવાની અને મૃતકની પ્રેમિકા, તેના પતિ અને અન્ય એક શખ્સે ભેગા મળીને મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘટનાની વાત કરીએ તો ભાભર તાલુકાના સુથાર નેસડી ગામના રમેશ ઠાકોર ગુમ થયા હોવાની બે વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાથમિક તપાસમાં માહિતી મળી કે રમેશ ઠાકોરને નેસડા ચેમ્બુઆ ગામની અને તેની ધર્મની બહેન રમીલા માળી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ રમીલા માળી અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધો રાખતી હોય તેવો વહેમ રાખી રમેશ ઠાકોરના રમીલા માળી સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આપઘાત કરતા પહેલા મૃતકે ઓડિયો ક્લિપ બનાવી હતી. જેમાં તેની પ્રેમિકા રમીલા માળી તેને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતી હતી તથા તેના અન્ય પ્રેમી સાથે મળીને માનસિક ત્રાસ આપતી હતી તેવી વાત સામે આવી છે.
આ પણ વાંચો: બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની થઇ બિનહરીફ વરણી, નિયામક મંડળીની બેઠકમાં કરાઇ જાહેરાત
મૃતકે પ્રેમિકાના ખેતરમાં આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા અને મોબાઈલમાંથી ઓડિયો રેકોર્ડ મળી આવતા પ્રેમિકા તેના પતિ અને અન્ય પ્રેમીએ મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી કોથળામાં ભરી કેનાલમાં નિકાલ કર્યો હતો. આ સાથે પરિવારજનોને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ મૃતકના મોબાઈલનો ઉપયોગ કરી આપઘાત કરનાર રમેશ ઠાકોર જીવિત હોય તેવું સાબિત કરી રહ્યા હતા. આખરે LCBએ ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો