Gandhinagar: વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઈઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગયું છે. આગામી તા. 13મી સપ્ટેમ્બરથી યોજાનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યોઓ માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વર્કશોપ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના અનુસંધાને ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આજે ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન (NEVA) એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે આજથી તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવશે.
અધ્યક્ષે જણાવ્યુ હતું કે, ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજિટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. એટલુ જ નહિ, વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરાયેલી ટેબલેટની ઝડપી ખરીદી સહિતની કામગીરી બદલ આભાર વ્યક્ત કરી અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાના અધિકારી તથા કર્મચારીઓને પણ સમગ્ર વ્યવસ્થાઓ ત્વરિત ઉભી કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો : Gandhinagar : સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ‘OBC’ સ્વાભિમાન ધરણા, વસ્તી આધારિત બજેટ અને જાતિગત વસ્તી ગણતરીની ઉઠી માગ
વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડીયાના સપનાને સાર્થક કરવાની દિશામાં ગુજરાત વિધાનસભા નવતર પહેલ કરવા જઇ રહી છે. આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે સંદર્ભમાં નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમા સૌપ્રથમ કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને તાલીમ આપવામાં આવી રહી છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો