વડોદરા મનપાનો વિચિત્ર નિર્ણય: બગીચામાં પ્રવેશ માટે હવે ફરજિયાત નોંધણી, શહેરીજનોમાં નારાજગી

વડોદરા મનપાનો વિચિત્ર નિર્ણય: બગીચામાં પ્રવેશ માટે હવે ફરજિયાત નોંધણી, શહેરીજનોમાં નારાજગી

| Edited By: | Updated on: Nov 27, 2025 | 8:54 PM

વડોદરા મહાનગરપાલિકા (VMC) એ શહેરના બગીચાઓમાં ફરવા આવતા લોકો માટે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે, જેના પગલે શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મનપાના નવા નિયમ મુજબ, હવે બગીચામાં પ્રવેશ કરતા પહેલા દરેક વિઝિટરે ફરજિયાતપણે પોતાનું નામ અને પ્રવેશનો સમય લખાવીને નોંધણી કરાવવી પડશે.

ફરજિયાત નોંધણી સામે લોકોનો વિરોધ કર્યો મનપાના આ નિર્ણયને બગીચામાં આવતા લોકોએ ‘તઘલખી નિર્ણય’ ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. બગીચામાં કસરત કરવા અને ફિટ રહેવા આવતા લોકોનું કહેવું છે કે, અહીં આ પ્રકારની નોંધણીની કોઈ જરૂર નથી. લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો સુરક્ષાનો પ્રશ્ન હોય તો મનપાએ બગીચામાં પેટ્રોલિંગ વધારવું જોઈએ અથવા સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ, ન કે સામાન્ય નાગરિકો પર આવા નિયમો થોપવા જોઈએ.

સામાજિક કાર્યકરોનો સવાલ

એક તરફ સામાજિક કાર્યકરોએ પણ મનપાના આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, કમાટીબાગની કેમ્પ ઓફિસમાંથી ફાઇલની ચોરી થઈ હતી, ત્યારે મનપાએ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે, હવે લોકો પર નિયમો થોપી દીધા છે, જે બિલકુલ યોગ્ય નથી.

મનપા કમિશનરનો બચાવ

બીજી તરફ, મનપા કમિશનરે આ નિર્ણયનો બચાવ કર્યો છે. કમિશનરનો દાવો છે કે આ નિર્ણય લોકોમાં જાગૃતિ લાવવા માટે લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બગીચાઓમાં અસામાજિક તત્વોના ત્રાસ ના કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા હતા, તેથી સુરક્ષાના કારણોસર આ નોંધણીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, શહેરીજનોને મનપાના આ નિર્ણય સામે ભારે અસંતોષ છે.

Input Credit- Anjali Ojha- Vadodara

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 27, 2025 08:51 PM