વડોદરામાં ખાડા રાજ… જ્યારે કાઉન્સિલરના માતા-પિતા ખાડામાં પટકાયા ત્યારે જ તંત્ર જાગ્યું – જુઓ Video
વડોદરામાં ખાડાઓનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મહિલા કાઉન્સિલર શ્વેતા ઉત્તેકરના માતા-પિતા ખાડાને કારણે પટકાઈને ઘાયલ થયા. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને હાથીખાના વિસ્તારમાં પેચવર્ક કરાયું. સ્થાનિકોમાં આક્રોશ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે સમીક્ષા કરી જવાબદાર સામે કાર્યવાહીની ખાતરી આપી છે, છતાં રસ્તાઓની ગુણવત્તા પર સવાલો યથાવત્ છે.
વડોદરા શહેરમાં વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં, હાથીખાના વિસ્તારમાં એક ગંભીર ઘટના બની હતી. મહિલા કાઉન્સિલર શ્વેતા ઉત્તેકરના માતા-પિતા ખાડાને કારણે રસ્તા પર પટકાતા ઘાયલ થયા હતા. આ ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) નું તંત્ર સફાળું જાગ્યું હતું અને ત્વરિત કાર્યવાહી કરીને હાથીખાના વિસ્તારમાં પેચવર્ક હાથ ધરવામાં આવ્યું હતું.
જો કે, આ ઘટનાથી સ્થાનિકોમાં શહેરના ખાડાઓ અને રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા કામની ગુણવત્તા અત્યંત નબળી હોય છે તેમજ તેની કોઈ દેખરેખ રખાતી નથી.
આ મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે ખરાબ રસ્તાના પેચવર્કની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરે અધિકારીઓને શહેરના મુખ્ય માર્ગો પરના ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરવા પણ તાકીદ કરી હતી. તેમણે નવા એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ (ARC) સિસ્ટમનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેનાથી જવાબદારી અને ગુણવત્તામાં સુધારો થશે. જો કે, સ્થાનિકોને આ કામગીરીની ટકાઉપણું અંગે શંકા છે.
