Breaking News: અમદાવાદમાં પૂર જેવી સ્થિતિ બાદ તંત્ર એક્શનમાં, પાણીના નિકાલ માટે 107 પંપ રાત-દિવસ ચાલુ – જુઓ Video
અમદાવાદમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને શહેરની વર્તમાન સ્થિતિ અને AMC દ્વારા હાથ ધરાયેલા પગલાંઓની વિગતવાર માહિતી આપી હતી.
અમદાવાદમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને શહેરની વર્તમાન સ્થિતિ અને ચાલી રહેલી રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. શહેરભરમાં પાણીના નિકાલ માટે કુલ 107 પંપ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં 42 સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
વરસાદને કારણે ઝાડ પડવાની કુલ 173 ફરિયાદો મળી હતી, જેનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રીટ લાઇટ સંબંધિત 46 ફરિયાદો પણ નોંધાઈ હતી. મુખ્યમંત્રીએ સેન્ટોસા અને બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તંત્રને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગઈકાલે 23 July ના રોજ 11 થી વધુ અંડરપાસ બંધ હતા, જેમાંથી હાલ ફક્ત ચાંદલોડિયા અંડરપાસ જ બંધ છે.
આરોગ્ય વિભાગ દ્વારા 76,000 ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં 270 મેટ્રિક ટન કાદવ-કિચડ દૂર કરાયો છે. કુલ 126 વોટરલોગિંગ સ્થળોમાંથી 79 પર પાણીનો નિકાલ થઈ ચૂક્યો છે. આવતીકાલે એટલે કે 25 જુલાઈના રોજ પણ ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જણાવી દઈએ કે, AMC દ્વારા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાંથી શહેરને ઝડપથી બહાર લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
