અન્નદાતા સાથે દગો બંધ કરો… વ્યારા સુગર મિલના અન્યાય સામે ખેડૂતોની ‘લાલ આંખ’, સેવા સદન ઘેરાયું
તાપી જિલ્લામાં વ્યારા સુગર મિલ દ્વારા શેરડીના બાકી નાણાંની ચૂકવણી ન થતા ખેડૂતોએ ઉગ્ર આંદોલન છેડ્યું છે. ગત વર્ષની શેરડીના પૈસા ન મળતા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો. અગાઉ અપાયેલા આશ્વાસનો છતાં ચૂકવણી ન થતા ખેડૂતોએ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
તાપી જિલ્લામાં ખેડૂતોએ વ્યારા સુગર મિલ સામે શેરડીના બાકી નાણાંની ચૂકવણીને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. ગત વર્ષે વ્યારા સુગર મિલે ખેડૂતો પાસેથી ખરીદેલી શેરડીના રૂપિયા હજુ સુધી તેમના ખાતામાં જમા ન થતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ અન્યાય સામે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો.
ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુગર મિલના MD અને જિલ્લા કલેક્ટર તરફથી અગાઉ 15મી તારીખ સુધીમાં ચૂકવણી અંગે સુખદ નિરાકરણ લાવવા અને ઝડપથી પૈસા ચૂકવવામાં આવશે, તેવા આશ્વાસનો અપાયા હતા. વ્યારા સુગરના એમડી દ્વારા તો લેખિત બાંહેધરી પણ આપવામાં આવી હતી. તેમ છતાંય હજુ સુધી ખેડૂતોના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો નથી.
આથી, તાપી જિલ્લાના ખેડૂતોએ એકજુથ થઈ વ્યારાના મિશન નાકાથી સેવા સદન સુધી ટ્રેક્ટર રેલી યોજી પોતાનો અવાજ બુલંદ કર્યો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે તેમના મહેનતની કમાણીના બાકી નાણાં ચૂકવવામાં નહીં આવે, તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે.
