Breaking News : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન તબીબની રીલ, Video વાયરલ
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાંથી સામે આવેલા આ વાયરલ વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે. ઓપરેશન થિયેટરમાં ચાલતી સર્જરી વચ્ચે રીલ બનાવવાની ઘટના સામે આવતા હોસ્પિટલની કામગીરી અને તબીબોની જવાબદારી પર પ્રશ્નો ઊભા થયા છે.
રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે, એક તરફ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એક તબીબ ઓપરેશનમાં વ્યસ્ત છે. ત્યાં જ અન્ય તબીબ આવીને રીલ બનાવે છે. રીલ બનાવી રહેલા તબીબનું કહેવું છે કે કેટલાક લોકો ઓપરેશન થિયેટરમાં રીલ બનાવતા હોય છે. પરંતું અમુક લોકો આવીને ચાલુ રીલમાં ઓપરેશન શરૂ કરી દે છે. રીલ બનાવતો તબીબની કોમેન્ટના લીધે ઓપરેશન કરી રહેલા ડોક્ટર પણ ચાલુ ઓપરેશને હસવા લાગે છે.તબીબની ઘોરબેદરકારીનો આ વાયરલ વીડિયો રાજકોટના વોકહાર્ટ હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચાલુ ઓપરેશને ડોક્ટરની રીલની મજા દર્દીને ભારે પડી જાય તો જવાબદાર કોણ તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે.
આ ઘટના સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રીલ બનાવવામાં વ્યસ્ત ડોક્ટરનું ધ્યાન દર્દી પરથી હટી જાય અને કોઈ ગંભીર ઘટના બની જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ મામલે હોસ્પિટલ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ડોક્ટરની આવી બેદરકારીને કારણે મેડિકલ વ્યવસાયની નૈતિકતા પર પ્રશ્નો ઊભા થયા છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા બેદરકાર ડોક્ટરો સામે કડક પગલાં લેવામાં આવે.