Video: સૂઈગામથી દુદાસણને જોડતો માર્ગ બિસ્માર, 10 ગામોને જોડતા રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય

|

Jan 19, 2023 | 11:36 PM

Banaskatha: સૂઈગામમાં મોરવાડાથી દુદાસણને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. 10 થી વધુ ગામને જોડતા માર્ગ પર છેલ્લા 2 વર્ષથી ખાડાનું સામ્રાજ્ય જામ્યુ છે. અહીંથી પસાર થતા વાહનચાલકોને ફરીને જવુ પડે તેટલી હદે રસ્તો બિસ્માર બન્યો છે.

બનાસકાંઠાના અંતરિયાળ એવા સૂઈગામ તાલુકાના મોરવાડાથી ગામથી દુદાસણને જોડતો માર્ગ ઘણો બિસ્માર બન્યો છે. આ માર્ગ એટલી હદે ઉબડ ખાબડ બન્યો છે કે કોઈ દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ અહીંથી પસાર થાય તો મુસીબતનો પાર ન રહે. 10થી વધારે ગામને જોડતા માર્ગ પર પાછલા બે વર્ષથી ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય  છે. કપચી ઉખડી ગઈ હોવાથી વાહનોમાં વારંવાર પંચર પડે છે. આ તૂટેલા માર્ગ પરથી સરકારી ST બસો પણ પસાર થતી નથી અને ફેરી મારતા ખાનગી વાહનો પણ નુકસાન ન થાય તે માટે 9 કિલોમીટર વધુ ફરીને જાય છે.

10થી વધુ ગામોને જોડતો રસ્તો છેલ્લા બે વર્ષથી બિસ્માર

મોરવાડા, ડુંગળા, બુરૂ, કીલાણા, દુદાસણ સહિતના ગામના લોકો સૌથી વધુ પરેશાન છે. જેમને દરરોજ મુસાફરી કરવી પડે છે એવા ગામડાઓના વિદ્યાર્થીઓને સમયસર કોઈ વાહન મળતું નથી એટલે તેમણે પણ ખાનગી વાહનોમાં પૈસા ખર્ચીને મુસાફરી કરવી પડે છે અને બીમાર કે ગર્ભવતી મહિલાઓને તો જીવ પર જોખમ આવી પડે એવી હાલત છે. આ સ્થિતિમાં લોકો કેવી રીતે રોજની સફર કરે એ એમનું મન જાણે છે.

અનેક રજૂઆતો છતા અધિકારીઓ આપે છે માત્ર ઠાલા આશ્વાસન

10 ગામના સામાજિક આગેવાનો અને સરપંચોએ માર્ગ-મકાન વિભાગના અધિકારીઓથી લઈ મામલતદાર સુધી વારંવાર રજૂઆત કરી છે. દરેક વખતે અધિકારીઓ નવી હૈયાધારણા આપે છે. પરંતુ તૂટેલા રોડનું નવીનિકરણ બે વર્ષથી શરૂ થયું જ નથી. આથી અનેકવાર રજૂઆતો કરી ત્રાસેલા 10 ગામના લોકોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: Video : દાંતાની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ઓરડા અને પાણીની સુવિધા આપવા શિક્ષકો અને ગ્રામજનોની માગ

સરકાર તમામ મોરચે વિકાસના કામો કરી રહી છે એની ના નહીં પરંતુ આ 10 ગામડાઓના લોકોને વિકાસ તો દૂર રોડ જેવી પ્રાથમિક સુવિધા પણ સરખી નથી મળી રહી. ત્યારે આ ગામલોકોની સમસ્યાને સરકાર ક્યારે સાંભળે છે અને ક્યારે આ રોડ બનાવાય છે એની પર સૌની નજર છે.

Next Video