Video: કપડવંજ કોર્ટે પતિની હત્યાના કેસમાં પત્નીને ફટકારી આજીવન કેદની સજા, પ્રેમીને પામવા પતિની કરી હતી હત્યા
Kheda: કપડવંજ કોર્ટે પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રેમ સંબંધમાં અંધ બનેલી પત્નીએ પતિનો કાંટો કાઢવા અને પ્રેમીને પામવા માટે પરિણીતાએ પોતાના જ પતિની ઠંડા કલેજે હત્યા કરી હતી.
ખેડામાં કપડવંજ કોર્ટે પતિની હત્યા કેસમાં પત્નીને આજીવન કેદની સજાનો હુકમ ફટકાર્યો. કોર્ટે 14 સાહેદોના પુરાવા, 30 દસ્તાવેજી પુરાવાની સાથે જ ફોરેન્સિક અને DNAના પુરાવા પણ રજૂ કર્યા હતા. સેશન્સ કોર્ટે આરોપી પત્નીને 11 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. તો મૃતકની માતાને 1 લાખનું વળતર આપવાનો હુકમ કરાયો છે.
14 ફેબ્રુઆરી 2019ના રોજનો બનાવ
કપડવંજ તાલુકાના સાલોડ ગામના ખેંગારભાઈ મહીજીભાઈ ભરવાડના લગ્ન કમુબેન સાથે સમાજના રીતિ રિવાજ મુજબ સાટા રીતથી થયા હતા. જ્યારે ખેંગારભાઈની બેનના લગ્ન કમુબેનના ભાઈ સાથે થયા હતા. જોકે કમુબેનને લગ્ન પહેલાથી જ રાજદીપ બહાદુર મકવાણા નામના યુવક સાથે આડાસંબંધ હતા. જેથી તેણીને પતિ ગમતો નહતો. પરંતુ સાટામાં લગ્ન કરેલ હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા.
આ પણ વાંચો : Video: ખેડામાં રાત્રે લાઇટ મળતા ખેડૂતો પરેશાન, અચાનક લાઇટ આવતા ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યા
પ્રેમ સંબંધમાં અંધ બનેલી પત્નીએ કરી પતિની હત્યા
કમુબેન પોતાના પતિ ખેંગારભાઈ સાથે છૂટકારો મેળવવા ઇચ્છતી હતી. તેણે પતિનો કાટો કાઢવાનું મનોમન નકકી કર્યું હતુ. જેનાં ભાગરૂપ કમુબેને પતી ખેંગારભાઈ ભરવાડને 14 ફેબ્રુઆરી 2019ના રોજ ફાગવેલ દર્શન ક૨વા જવુ છે તેમ કહી તૈયાર કર્યો હતો અને પતિ ખેંગાર ભરવાડની અવાવરૂ ખેતરમાં લઈ જઈને લોખંડના જેક મારીને હત્યા કરી નાખી હતી. જે બાદ કોઈ અજાણ્યો પતિને મારીને લઈ ગયાની અને પોતાના દાગીના પડાવી ગયો હોવાની કેફિયત પોલીસ સમક્ષ આપી હતી.
જો કે પોલીસની વિગતવાર તપાસમાં પત્નીએ જ હત્યા કર્યાનો ભાંડો ફૂટ્યો હતો. પ્રેમીને પામવા માટે પરિણીતાએ પોતાના જ પતિની ઠંડા કલેજે હત્યા કરી હતી.
