Breaking News : ગંભીરા બ્રિજ ફરી ખુલશે, 9 મહિના પછી લોકો માટે મોટી રાહત, જુઓ Video
મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ 1 એપ્રિલથી રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો માટે ટ્રાયલ રન તરીકે ખુલ્લો મુકાશે. બ્રિજનો એક ભાગ તૂટી પડ્યા બાદ રાજ્ય સરકારે નવ કરોડના ખર્ચે લોખંડનું માળખું ઊભું કરી મરામત કરી છે. ફોર-વ્હીલર અને ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે, જ્યારે એન્જિનિયરોના રિપોર્ટ બાદ સંપૂર્ણ બ્રિજ ખોલવા અંગે નિર્ણય લેવાશે.
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજ 1 એપ્રિલથી રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો માટે પુનઃપ્રારંભ થવા જઈ રહ્યો છે. 9 જુલાઈ, 2025 વહેલી સવારે બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં 21 લોકોના મોત થયા હતા, ત્યારબાદ બ્રિજ બંધ કરી દેવાયો હતો. આ ઘટના બાદ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેમને આણંદ અને વડોદરા વચ્ચે મુસાફરી કરવા માટે 40 કિલોમીટરથી વધુનો વધારાનો રસ્તો કાપવો પડતો હતો. આના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી.
રાજ્ય સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લઈ ત્વરિત નિર્ણય લીધો હતો. તૂટી પડેલા બ્રિજના સમારકામ માટે નવ કરોડ રૂપિયાના ખર્ચે એક નવો પાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા પાર્ટમાં લોખંડનું મજબૂત માળખું ઊભું કરીને તેના પરથી રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો સરળતાથી પસાર થઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે મહિનાથી આ સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી અને હવે તે પૂર્ણ થઈ ગઈ છે.
1 એપ્રિલના રોજ બ્રિજ પર ટ્રાયલ રન કરવામાં આવશે. આ ટ્રાયલ રનમાં વહીવટી તંત્ર દ્વારા કેટલાક નિર્ધારિત વાહનોને પસાર કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે માત્ર ટુ-વ્હીલર અને પગપાળા અવરજવર માટે જ મંજૂરી આપવામાં આવશે. ફોર-વ્હીલર અને અન્ય ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બ્રિજના છેડા પર ટ્રાફિકનું નિયંત્રણ કરવામાં આવશે જેથી વધુ વાહનો એકસાથે ભેગા ન થાય. ટ્રાયલ રન અને વાહનોની અવરજવરનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે.
ટ્રાયલ રન પછી એન્જિનિયરો અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ દ્વારા બ્રિજની સ્થિતિ અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે જ બ્રિજને સંપૂર્ણપણે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ આંશિક પુનઃપ્રારંભથી આણંદ અને વડોદરા વચ્ચેના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને મોટી રાહત મળશે, જેઓ લાંબા સમયથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યા હતા.
ઘરે બેઠા મફતમાં GST નંબર મેળવો! 10 મિનિટમાં બિઝનેસ શરૂ કરવાની સિક્રેટ રીત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો