વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો, આરોપીએ કરેલી કુલ 6 હત્યાનો પર્દાફાશ

| Edited By: | Updated on: Dec 05, 2024 | 5:21 PM

વલસાડના સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો થયો છે. પોલીસ રિમાન્ડ પર રહેલા આરોપીએ ડભોઈમાં કરેલી હત્યાની કબૂલાત કરી છે. 8 જૂનના રોજ ડભોઈમાં લૂંટના ઈરાદે એક અલ્પ દ્રષ્ટિ યુવકની હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું છે.

વલસાડના પારડીમાં થોડા દિવસ પહેલાં એક યુવતીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. ત્યારે આ આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો થયો છે. પોલીસ રિમાન્ડ પર રહેલા આરોપીએ ડભોઈમાં કરેલી હત્યાની કબૂલાત કરી છે.

8 જૂનના રોજ ડભોઈમાં લૂંટના ઈરાદે એક અલ્પ દ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી. ટ્રેનમાં અલ્પ દ્રષ્ટિ યુવક સાથે આરોપીએ વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ રેલવે સ્ટેશન પર ઉતારીને લૂંટના ઈરાદે ગળું દબાવીને હત્યા કર્યાનું ખુલ્યું છે. ડભોઈ મળી અત્યાર સુધી આરોપીએ કુલ 6 હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે. હજુ પણ આરોપી દ્વારા અન્ય ગંભીર ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

આ હત્યાનો ખુલાસો થયો તે પહેલા આ આરોપીએ 25 દિવસના સમયગાળામાં જ 5 હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. પારડીમાં યુવતીની હત્યા કર્યા બાદ આરોપીના ગુનાઓ અટક્યા ન હતા. ત્યાર બાદ આરોપીએ ઉપરા-છાપરી ત્રણ હત્યા કર્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં ટિકિટ લીધા વગર સરળતાથી મુસાફરી કરતો હતો અને રાજ્ય શહેર બદલીને ગુનાઓને આચરતો હતો. પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી.