વલસાડ આત્મહત્યા કેસ: ગણતરીના કલાકો પૂર્વે યુવતી સુરત રેલવે સ્ટેશન પર મળી હતી જોવા, CCTV ફુટેજ આવ્યા સામે
Vadoadara: વલસાડ સ્ટેશન પર યુવતીએ આત્મહત્યા કર્યા હોવાના કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીની ડાયરીમાંથી તેના પર દુષ્કર્મ થયું હોવાની વાત બહાર આવી છે.
વલસાડ (Valsad) રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યાના કેસમાં આજે CCTV ફૂટેજ સામે આવ્યા છે. આત્મહત્યાના ગણતરીના કલાકો પૂર્વે યુવતી સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી હતી. જેના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 પરના CCTV માં યુવતી જોવા મળી હતી. યુવતીએ મોતને વહાલું કર્યું તે પહેલાના આ અંતિમ દ્રશ્યો છે.
મહત્વનું છે કે વલસાડ રેલવે સ્ટેશન નજીક યુવતીની આત્મહત્યાના મામલે ગઈકાલે મોટો ઘટસ્ફોટ થયો હતો. મૃતક યુવતી વડોદરાની (Vadodara) NGO માં કામ કરતી હતી. ત્યારે યુવતી સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વલસાડ રેલવે પોલીસ યુવતીના આત્મહત્યાના બનાવને પગલે તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને યુવતીના ઘરેથી તેની નોટ મળી હતી. જેમાં યુવતીએ પોતાના પર થયેલી ઘટનાની નોંધ કરી હતી. જેમાં તેણે લખ્યું હતુ કે, “વડોદરાના દિવાળીપુરામાં આવેલા વેક્સિન સેન્ટરના કમ્પાઉન્ડમાં બે રિક્ષામાં આવેલા યુવકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
યુવતીએ આગળ લખ્યું હતું કે કમ્પાઉન્ડમાં કૈક અજુગતું લાગતા બસ પાર્ક કરવા એક વ્યક્તિ આવી જતા બંને હવસખોર રિક્ષામાં ભાગી ગયા હતા. અને લાચાર અવસ્થામાં યુવતીએ આ વ્યક્તિના ફોન દ્વારા અન્ય મહિલાને બોલાવી તેના ઘરે ગઈ હતી.” ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે યુવતી સાથે દુષ્કર્મ થયુ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
તો આ તરફ સમગ્ર કેસની તપાસ કરનાર રેલવે પોલીસે નિવેદન આપ્યું હતુ કે ‘તપાસ દરમિયાન અમને યુવતીની ડાયરી મળી છે જેમાં દુષ્કર્મનો ઉલ્લેખ છે, પરંતુ મેડિકલ રિપોર્ટ આવ્યા પહેલા અમે દુષ્કર્મ થયું છે કે કેમ તેના પર વધુ નહીં કહીં શકીએ.’ બીજી તરફ બળાત્કાર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ છે. DGPના આદેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI અશરફ બલોચ અને PI હરિત વ્યાસ પોતાની ટીમ સાથે વડોદરા પહોંચ્યા છે.