રાજ્યમાં ઉત્તરાયણના ઉત્સાહમાં ગંભીર ઈજાઓની અલગ અલગ પાંચ ઘટનાઓ આવી સામે, ચાઈનીઝ દોરીથી 8 વર્ષિય બાળકનો કપાયો કાન- વીડિયો
રાજ્યમાં ઉત્તરાયણના ઉત્સાહમાં ગંભીર ઈજાઓની અલગ અલગ પાંચ ઘટનાઓ સામે આવી. જેમા રાજકોટમાં જેતપુરમાં ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું ગળુ કપાયુ જ્યારે 8 વર્ષિય બાળકનો કાન કપાયો હતો. આ તરફ ભાવનગરમાં પતંગ ઉડાડતા બે લોકોને ઈલેક્ટ્રીક શોક લાગ્યો.
રાજ્યમાં એકતરફ જ્યાં લોકો આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉતરાયણની મજા માણતા જોવા મળ્યા તો રાજ્યમાં કેટલાક સ્થળોએથી પતંગબાજોને ગંભીર ઈજાઓની પણ ઘટના સામે આવી. ક્યાંક પતંગની દોરી ઘાતક સાબિત થઈ. સુરતમાં પાંડેસરામાં પતંગની દોરી અને પતંગ પકડવાની ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા. પાંડેસરમાં મિલન પોઈન્ટ નજીક બાઈકચાલકને પતંગની દોરી વાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
આ તરફ પતંગ પકડવા જતા વિવિધ ઘટનામાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પંચમહાલના ગોધરા તાલુકામાં પણ પતંગની દોરી ઘાતક બની અને ગળુ કપાવાથી ઈજા પહોંચાડનારી ત્રણ ઘટના બની. ગોધરાના ખાંડિયા હાઈવે સહિત અન્ય બે સ્થળો પર બાઈક બે ઘટના બની. બાઈક પર જતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. એક યુવકને ગળાના ભાગે ત્રણ ટાંકા આવ્યા છએ. જ્યારે અન્ય બે યુવકને હાથના ભાગે ઈજા પહોંચી છે. તેમને સારવાર માટે ગોધરા સિવિલ ખસેડવામાં આવ્યા છે.
આ તરફ ભાવનગરમાં પતંગ ઉડાડતા બે લોકોને ઈલેક્ટ્રીક શોક લાગ્યો. બંનેને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ બંને વ્યક્તિઓની હાલત ગંભીર જણાવાઈ રહી છે. શહેરના ચિત્રા વિસ્તારમાં ક્રાઈસ્ટ સ્કૂલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી.
રાજકોટની વાત કરીએ તો જેતપુર તાલુકામાં પતંગ લૂંટવા જતા બાળક ઘવાયો હતો. પતંગ લૂંટવાની લ્હાયમાં બાળક કાર સાથે અથડાયો. જેતપુરના નવાગઢ પાસે અકસ્માત થયો હતો. બાળકને વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેતપુરમાં ચાઈનિઝ દોરીથી બાળકનો કાન કપાયો. 8 વર્ષના બાળકનો કાન કપાતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. પિતા સાથે બાઈક પર જતા સમયે બાળકને કાન પર દોરી વાગતા કાન કપાયો હતો. આ તરફ વાડી વિસ્તારમાં પતંગની દોરીથી યુવકનું ગળુ કપાતા ઘાયલ થયો હતો જેમા તેને ટાંકા લેવા પડ્યા હતા.