અમદાવાદમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની સાથે શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેના હસ્તકની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપી અને કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. કચેરી દ્વારા શાળાઓને સૂચના અપાઇ છે કે હાલ વેકેશનનો સમય છે, જેથી બાળકો શાળામાં નથી તેમ છતાં પરિસરમાં સુરક્ષાકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે. જેથી કરીને શાળામાં બનતી ગતિવિધિ અંગે ધ્યાન રાખી શકાય.
શાળાના અધિકૃત મેઇલ પર આવતા તમામ મેઈલનું ધ્યાન રાખી જો કોઈ શંકાસ્પદ મેઈલ કે સંદેશ જણાય તો તાત્કાલિક પોલીસ પ્રશાસન અને કચેરીને જાણ કરવા માટે પણ સૂચના અપાઇ છે. મહત્વનું છે કે 6 મેએ અમદાવાદ શહેરની 30 થી વધારે શાળાઓને મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્યના DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ 6 મે ના રોજ મળેલા મેલના સંદર્ભે તમામે તમામ શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેમને આ પ્રકારનો કોઈપણ શંકાસ્પદ મેલ મળે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. તેમજ AEIના કર્મીઓને આ બાબતે તુરંત જાણ કરવી. જેથી શિક્ષણવિભાગ દ્વારા પણ સંબંધિત કચેરીઓ ક્રાઈમબ્રાંચ કે પોલીસ તંત્રનો સંપર્ક કરી દરેક શાળાઓમાં વેરીફિકેશન સુનિશ્ચિત થઈ શકે.
આ પણ વાંચો: રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મંદિર, રામદેવપીર અને મેલડી માતાજીના મંદિરને કર્યુ આગને હવાલે- Video
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો