અમરેલીના આ મુસ્લિમ યુવકે ધસમસતા પૂર વચ્ચે જીવ જોખમમાં મુકી પૂજારીનો બચાવ્યો જીવ- Video

અમરેલીના આ મુસ્લિમ યુવકે ધસમસતા પૂર વચ્ચે જીવ જોખમમાં મુકી પૂજારીનો બચાવ્યો જીવ- Video

| Edited By: | Updated on: Jul 12, 2024 | 6:40 PM

અમરેલીના લાઠીનો થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમા ગાગડિયો નદીના ધસમસતા પૂરના પ્રવાહ વચ્ચે એક યુવક મસ્તી કરતો નજરે ચડ્યો હતો. આ વાયરલ વીડિયોને લઈને મોટો ખૂલાસો થયો છે. એ ખૂલાસો એ છે કે યુવકના પૂરના પાણી વચ્ચે સ્ટંટ નહોતો કરી રહ્યો પરંતુ આગળ પૂરમાં ફસાયેલા એક પૂજારીનો જીવ બચાવવા જઈ રહ્યો હતો..

અમરેલીથી એક ઘણા જ પોઝિટીવ સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા અમે આપને એક લાઠીના પૂરનો એક વાયરલ વીડિયોની ખબર બતાવી હતી જેમા એક યુવક ગાગડિયો નદીના ધસમસતા વહેતા પૂરના વહેણમાં સ્ટંટ કરતો દેખાઈ રહ્યો હતો. હકીકતમાં યુવક સ્ટંટ નહોંતો કરી રહ્યો. એ સમયે લાઠીમાં એકસામટો 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને ગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક યુવક ઊભો હોય તેવાં દૃશ્યો વાયરલ થયા હતા. એ સાથે જ સવાલો પણ ઊઠ્યા હતા કે પાણીના પ્રવાહ વચ્ચે આવાં ‘જોખમી સ્ટંટ’ શા માટે ? શું યુવાનને એટલી પણ સમજ ન હતી કે તેનું આ વર્તન ‘જીવલેણ’ સાબિત થઈ શકતું હતું ?

પરંતુ, હવે સમગ્ર ઘટનામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પહેલાં જે સામે આવ્યો તે અધૂરો વીડિયો હતો. અને હવે સમગ્ર દૃશ્ય આપની સામે છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઉતરેલો તે યુવક હકીકતમાં એક મુસ્લિમ શખ્સ છે. અને તે ગામના ખોડિયાર માતાના મંદિરના પૂજારીને બચાવવા માટે પાણીના ધસમસતા પ્રવાહમાં ઉતર્યો હતો. એકાએક ધોધમાર વરસાદ ખાબકતા વયોવૃદ્ધ પૂજારી મંદિરમાં ફસાઈ ગયા હતા. ત્યારે મુસ્લિમ યુવક પાણીના પ્રવાહમાં ઉતરીને તેમને બચાવીને સામે કાંઠે લાવ્યો હતો. આ વીડિયો એ વાતની સાબિતી તો આપી જ રહ્યો છે કે યુવક કોઈ સ્ટંટ માટે પાણીમાં ન હતો ઉતર્યો. પણ, સાથે જ આ દૃશ્યો કોમી એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે.

પાણીનો પ્રવાહ એકાએક વધતાં પૂજારીના જીવ પર સંકટ ઊભું થયું હતું. ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના મુસ્લિમ યુવકે તેમનો જીવ બચાવ્યો. હાલ યુવાનના આ કામની ઘણી પ્રશંસા થઈ રહી છે. કહે છે કે મુસ્લિમ યુવાન. આ જ રીતે લોકોના જીવ બચાવવા તત્પર રહે છે અને શેખ પીપરીયા ગામ આ જ રીતે ‘કોમી એકતા’નું સૌથી મોટું ઉદાહરણ પણ રજૂ કરે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો