સુરતમાં પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહી ભાડુઆતોનો દબદબો, 175 મકાનોમાં ભાડુઆત મળી આવ્યા
મહાનગરપાલિકાના ચેકિંગ દરમિયાન આશરે 175 જેટલા મકાનોમાં ભાડુઆત મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ભાડુઆતો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારબાદ સંબંધિત મકાન માલિકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Surat News : સુરત શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે આપી આર્થિક લાભ મેળવવાના કથિત ખેલ સામે મહાનગરપાલિકાએ તપાસ શરૂ કરી છે. વિવિધ ઝોનમાં આવેલા પ્રધાનમંત્રી આવાસના મકાનોમાં સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં અંદાજિત 2,500થી વધુ આવાસનું ચેકિંગ કરવામાં આવ્યું છે.
પાલિકાના ચેકિંગ દરમિયાન આશરે 175 જેટલા મકાનોમાં ભાડુઆત મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ભાડુઆતો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે. ત્યારબાદ સંબંધિત મકાન માલિકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાભાર્થીઓએ મકાનો ભાડે આપ્યા હોવાની આશંકા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાનો અન્ય વ્યક્તિઓને ભાડે આપી આર્થિક લાભ મેળવવામાં આવતો હોવાની ફરિયાદો બાદ પાલિકાએ તપાસ હાથ ધરી છે. જો તપાસ દરમિયાન લાભાર્થીએ નિયમ વિરુદ્ધ મકાન ભાડે આપ્યું હોવાનું હકીકતમાં સાબિત થશે તો આવાસ રદ કરવા ઉપરાંત પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
અનેક મકાનોમાં જોવા મળ્યા તાળા
ચેકિંગ દરમિયાન મોટાભાગના મકાનોમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા. આવા મકાનોનું પાલિકા દ્વારા ફરીથી ચેકિંગ કરવામાં આવશે. જો પુનઃચેકિંગ દરમિયાન મકાનમાં ભાડુઆત મળી આવશે તો સંબંધિત લાભાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાલિકાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આગામી તપાસમાં કેટલા લાભાર્થીઓએ નિયમ વિરુદ્ધ આવાસ ભાડે આપ્યા છે તેની હકીકત વધુ સ્પષ્ટ થશે