એક દિવસમાં 35 વખત બંધ થતા રેલવે ફાટકે શહેરને બે ભાગમાં વહેંચ્યું, નેતાઓના વચનોથી હવે લોકોનો ભરોસો ઉઠ્યો!

| Edited By: | Updated on: May 06, 2026 | 7:38 PM

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર પાસે રેલવે ફાટક વારંવાર બંધ થતા લાખો લોકો ટ્રાફિકની જંજાળમાં ફસાયા છે. સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે નોકરીયાત વર્ગ, દરેકના સમયનો વેડફાટ થઈ રહ્યો છે. વારંવાર ઓવરબ્રિજની જાહેરાતો છતાં નક્કર કામગીરી ન થતા હવે નગરજનો આંદોલનના માર્ગે વળવાની તૈયારી કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર શહેરના મધ્યમાંથી પસાર થતી સુરેન્દ્રનગર-ભાવનગર રેલવે લાઈન અત્યારે શહેર માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ખાસ કરીને ગણપતિ ફાટસર નજીક આવેલું રેલવે ફાટક 24 કલાક દરમિયાન અંદાજે 35 વખત બંધ કરવામાં આવે છે. આ રેલવે લાઈન બ્રોડગેજ થયા બાદ ભાવનગરથી દિલ્હી, અયોધ્યા અને આસનસોલ જેવી લાંબા અંતરની ટ્રેનો તેમજ પીપાવાવ પોર્ટની માલગાડીઓની અવરજવર વધી છે, જેના કારણે ફાટક બંધ રહેવાનો સમય પણ વધ્યો છે.

નગરજનોની હાલાકી: સમય અને ધીરજની કસોટી

જ્યારે પણ ફાટક બંધ થાય છે, ત્યારે રાજકોટ-અમદાવાદ બાયપાસ પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. આ સ્થિતિને કારણે: વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ સમયસર પોતાના સ્થાને પહોંચી શકતા નથી. વૃદ્ધો અને દર્દીઓને ઉંચા તાપમાનમાં ટ્રાફિકમાં અટવાઈ પડવું પડે છે. ફાટકને કારણે શહેર જાણે બે સ્પષ્ટ ભાગોમાં વહેંચાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

રાજકીય આશ્વાસનોથી જનતા કંટાળી

સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા અનેકવાર ઓવરબ્રિજ મંજૂર થયાની જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જમીન પર કોઈ કામ શરૂ થયું નથી. નેતાઓના ‘ટૂંક સમયમાં બ્રિજ બનશે’ તેવા પોલા વચનોથી હવે જનતાનો વિશ્વાસ ડગી ગયો છે.

આંદોલનના એંધાણ

શહેરીજનોની માંગ છે કે કાં તો આ ફાટકને કાયમી ધોરણે દૂર કરવામાં આવે અથવા તો ત્યાં અંડરબ્રિજ કે ઓવરબ્રિજની સુવિધા તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નહીં આવે, તો સ્થાનિક લોકો આક્રમક આંદોલન છેડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

મહુવામાં ડુંગળીના ભાવ ₹3 થી ₹5 કિલોએ પહોંચ્યા, ચાર મહિનાની મહેનત બાદ પણ પાયમાલ થવાની સ્થિતિ

Follow Us