કૌભાંડ કુંડળી! જમીન કૌભાંડ કેસમાં કલેક્ટર સહિત 4 અધિકારીઓ ફસાયા, ફાઇલો થઈ જપ્ત, જુઓ Video
EDની ફરિયાદના આધારે હવે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ સહિત નાયબ મામલતદાર, કલેક્ટરના PA અને કલાર્ક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. ACB મુજબ, નાયબ મામલતદાર મોરીના ઘરેથી 67 લાખ રૂપિયાનું રોકડ જપ્ત કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડ કેસમાં તપાસ એજન્સીઓની કાર્યવાહી તેજ બની છે. રિમાન્ડ પર રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ કરેલા ખુલાસાઓ બાદ સમગ્ર પ્રકરણમાં મોટો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન EDને મળેલી એક શીટને કૌભાંડની “કુંડળી” તરીકે ઓળખવામાં આવી રહી છે.
65-B હેડ હેઠળ અલગ-અલગ લાંચની ગણતરી
આ શીટમાં દલાલોના નામ, તેમને આપવાની લાંચની રકમ, ગામવાર સર્વે નંબર, જમીન વિસ્તાર અને અલગ-અલગ હેડ હેઠળ લેવાયેલી રકમોની નોંધ મળી છે. ખાસ કરીને ‘પરચુરણ’ અને ‘65-B’ હેડ હેઠળ મોટી રકમોની એન્ટ્રીઓ સામે આવી હોવાનું તપાસ એજન્સીઓનું કહેવું છે. દસ્તાવેજોમાં ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામોનો પણ ઉલ્લેખ છે, જેને FIRનો ભાગ બનાવવામાં આવ્યો છે.
EDની ફરિયાદના આધારે હવે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ સહિત નાયબ મામલતદાર, કલેક્ટરના PA અને કલાર્ક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. ACB મુજબ, નાયબ મામલતદાર મોરીના ઘરેથી 67 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવ્યું છે.
100 જેટલી ફાઇલો જપ્ત
EDના દરોડા બાદ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને સ્પેશિયલ કોર્ટ દ્વારા 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. બીજી તરફ, દરોડા બાદ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. તપાસ દરમિયાન કલેક્ટરના બંગલામાંથી આશરે 100 જેટલી ફાઇલો જપ્ત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે ED બાદ ACBની ટીમ દ્વારા સમગ્ર કૌભાંડની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો