વારા પછી વારો અમદાવાદ, ગાંધીનગર પછી સુરતનો વારો, દૂષિત પાણીનો કહેર ચરમસીમાએ
સુરતના ઉધનાના અમૃતનગરમાં દૂષિત પીવાના પાણીથી લોકોમાં રોગચાળાનો ભય વધ્યો છે. ગેરકાયદે ડાઈંગ મિલો દ્વારા ડ્રેનેજમાં કલરયુક્ત પાણી છોડાતા હોવાના આક્ષેપ વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં દૂષિત પીવાના પાણીની સમસ્યા ફરી એક વખત ગંભીર બની છે. ઉધનાના અમૃતનગર વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાની સતત ફરિયાદો સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય વ્યાપ્યો છે. ખરાબ પાણીના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આસપાસ વિસ્તારમાં ગેરકાયદે રીતે ડાઈંગ મિલો ધમધમી રહી છે અને આ મિલો દ્વારા ડ્રેનેજ લાઈનમાં કલરયુક્ત અને રાસાયણિક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે પીવાનું પાણી પણ દૂષિત થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
લોકોએ અગાઉ પણ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી હતી અને કોઈ નક્કર પગલાં લેવાયા નહોતા. પરિણામે સમસ્યા યથાવત્ રહી છે. મધ્યપ્રદેશ, અમદાવાદ અને ગાંધીનગરમાં તાજેતરમાં દૂષિત પાણીની સ્થિતિ સામે આવ્યા બાદ પણ તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઊભા થયા છે.
થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રીએ પણ પાલિકા તંત્રને આ મુદ્દે ટકોર કરી હતી. તેમ છતાં હજી સુધી અસરકારક કાર્યવાહી ન થતાં હવે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને દૂષિત પાણી સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની ઉગ્ર માંગ ઉઠી છે.
