Breaking News: 12 કલાકમાં 14 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર, 9ના મોત, શાળા-કોલેજ બંધ, ટેક્સટાઈલ માર્કેટને પણ બ્રેક
સુરત શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. છેલ્લા 12 કલાકમાં આશરે 14 ઈંચ અને બે દિવસમાં 18 ઈંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદ બાદ શહેરમાં પાણી ભરાવાની 115થી વધુ સત્તાવાર ફરિયાદો નોંધાઈ છે, જ્યારે રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને વેપારી વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાડામાં પડી જતાં બે બાળકોએ જીવ ગુમાવ્યો
વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. કતારગામ વિસ્તારમાં વીજળી પડતાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે સચિન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાં પડી જતાં બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ભયજનક સપાટીએ વહેતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં, જેના કારણે અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું.
આજે પણ ભારે વરસાદની આગાહી
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ભારે વરસાદના કારણે સિટી બસ, BRTS અને અન્ય જાહેર પરિવહન સેવાઓને પણ અસર પહોંચી છે. ફેડરેશન ઑફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઈલ એસોસિએશન (FOSTTA)એ સાવચેતીના ભાગરૂપે તમામ કાપડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય માર્ગો હજુ પણ પાણીમાં ગરકાવ
સુરત, વેલંજા, પલસાણા, કડોદરા અને કામરેજને જોડતા અનેક મુખ્ય માર્ગો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પ્રશાસન દ્વારા લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.