સુરતમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસેલા ભારે વરસાદ બાદ મીઠી ખાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પૂરને કારણે જનજીવન પર માઠી અસર થઈ છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સરથાણાં પોલીસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થતા પોલીસ સ્ટેશનમાં સરારી દસ્તાવેજો લેવા માટે પોલીસકર્મીઓ પહોંચ્યા હતા. PI સહિતનો સ્ટાફ કેડસમા પાણીમાં દસ્તાવેજ લેવા માટે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનના તમામ વિભાગ અને લોકઅપ પણ પાણીમાં ગરકાવ થયુ છે.
ખાડીમાં પૂરને કારણે સ્થાનિકોની વ્હારે પોલીસ આવી છે. સરથાણામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું પોલીસ જવાનો દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ છે. મહિલા
ASIએ ગળાડૂબ પાણીમાંથી ત્રણ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતુ. પોલીસ કર્મચારીઓ ટ્રેકટર મારફતે લોકોની મદદ કરી રહ્યા છે. સમગ્ર સરથાણા પોલીસ સ્ટેશન પાણીમા ગરકાવ થયુ છે.
આ તરફ મીઠી ખાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પર્વત ગામ નજીક 6 સોસાયટી પૂરના પાણીમાં ગરકાવ થયા છે. સોસાયટીના રહીશો માલ-સામાન સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. લોકો ઘરનો સામાન ખાલી કરી બીજા માળે ચઢાવી રહ્યા છે. સોસાયટીમાં પૂરના પાણી ફરી વળતા SMC તંત્ર સામે લોકોમાં ભારે આક્રોષની સ્થિતિ છે. તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીના દાવા કરાય છે. કરોડોના પ્લાન પાસ કરી દેવાય છે પરંતુ કામગીરી થતી નથી અને દર ચોમાસાએ લોકોને પૂરને કારણે હાલાકી વેઠવાનો વારો આવે છે. તંત્ર સમસ્યાનું નિરાકરણ ન કરતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
Published On - 4:35 pm, Tue, 24 June 25