કંપની હોય તો આવી! કર્મચારીઓને બોનસમાં આપ્યા રોકડા 1-1 લાખ, તેમના કામની ખરી ‘કદર કરી’ – જુઓ Video
સુરતના મોટા વરાછા સ્થિત કાપડ વેપારી રામ સ્વરૂપ મુંડેએ તેમના 20 કર્મચારીઓને ₹1 લાખથી વધુનું રોકડ દિવાળી બોનસ આપ્યું છે. ચાંદી જેવી ચમકતી પૂજાની થાળીમાં નોટોના બંડલો ગોઠવીને અપાયેલા આ બોનસથી કર્મચારીઓમાં ખુશી છવાઈ ગઈ. વેપારીએ પોતાના સ્ટાફને પરિવાર ગણાવ્યો અને તેમની મહેનતની કદર કરી.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક કાપડ વેપારી રામસ્વરૂપ મુંડેએ આ દિવાળીએ પોતાના કર્મચારીઓ માટે ઉદાહરણરૂપ નિર્ણય લીધો છે. તેમણે પોતાના 20 કર્મચારીઓને પ્રત્યેકને ₹1 લાખથી વધુનું રોકડ દિવાળી બોનસ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ બોનસ આપવાની તેમની પદ્ધતિ પણ અનોખી હતી. તેમણે ચાંદી જેવી ચમકતી પૂજાની થાળીમાં ₹10, ₹20, ₹50, ₹100, ₹200 અને ₹500ના નોટોના બંડલો ગોઠવીને કર્મચારીઓને હાથોહાથ આપ્યા હતા.
આ અનોખી ભેટ જોઈને કર્મચારીઓની આંખો ખુશીથી છલકાઈ ઊઠી હતી. વેપારી રામસ્વરૂપ મુંડેએ આ પ્રસંગે જણાવ્યું કે, “આ સ્ટાફ નહીં પણ મારો પરિવાર છે, જેમના પરસેવાથી મારો વેપાર ચાલે છે.” તેમણે ખાસ કરીને તેમની સાથે કામ કરતી મહિલા કર્મચારીઓને આશ્વાસન આપ્યું કે, તેઓ હંમેશા તેમની સાથે છે અને એક ભાઈની જેમ તેમના મામેરા પણ ભરશે. રાજસ્થાનમાં મામેરા ભરવાની પરંપરાનો ઉલ્લેખ કરતા, તેમણે દરેક બહેનની જરૂરિયાત સમયે મદદ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી. આ ઘટના કર્મચારીઓ પ્રત્યેના તેમના સ્નેહ અને આદરને પ્રદર્શિત કરે છે.
