Surat: લક્ઝરી બસમાં આગ કેસમાં FSL તપાસનો રિપોર્ટ પોલીસને આપ્યો, શોર્ટ સર્કિટને કારણે આગ ન લાગી હોવાની જાણકારી

|

Jan 25, 2022 | 9:39 AM

આગની ઘટના બાદ એફએસએલ દ્વારા ઘટના સ્થળ અને કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે માહિતી આપી હતી કે બસમાં 12 જેટલા મુસાફરો હતા. અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

સુરત (Surat)ના વરાછા વિસ્તારના હીરાબાગમાં ખાનગી ટ્રાવેલ્સ (Travels)ની લકઝરી બસમાં આગ (Fire ) લાગવાના કેસમાં તપાસ તેજ બની છે. FSL દ્વારા સ્થળ તપાસનો પ્રાથમિક રિપોર્ટ (Preliminary report of the investigation) પોલીસને સબમિટ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં બસમાં આગ કોઈ શોર્ટ સર્કિટને કારણે લાગી ન હોવાનું જાણવા મળ્યુ છે. કોઈ જ્વલનશીલ પદાર્થ કે લિકવીડના કારણે આગ લાગી હોવાનું તારણ છે. ત્યારે બસમાં લાગેલી આગ મામલે પોલીસ ગુનો નોંધે તેવી શક્યતાઓ છે.

સુરતથી ભાવનગર જવા માટે નીકળેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસમાં 18 જાન્યુઆરીની રાત્રે હીરાબાગ સર્કલ પાસે આગ લાગી હતી. એટલું જ નહીં આ બનાવ ગંભીર અને તમામને હચમચાવી દેનારો હતો. થોડા જ સમયમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. અંદર બેઠેલા મુસાફરો ચીસો પાડવા લાગ્યા હતા. સ્થળ ઉપર ભારે અફડાતફડી સર્જાઈ હતી. મુસાફરો જીવ બચાવવાના પ્રયત્નોમાં બારીઓમાંથી કૂદવા લાગ્યા હતા.

દુર્ભાગ્યવસ બસમાં સવાર યુવાન દંપતી ગંભીર રીતે દાઝી ગયા હતા, જે પૈકી પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિ સારવાર હેઠળ છે. એટલું જ નહીં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બસની ડિક્કીમાં સૅનેટાઈઝર, ઈલેક્ટ્રીક સામાન સહીત જવલનશીલ અને આગમાં ઘી નાખવાનું કામ કરે તેવી વસ્તુઓ હતી.

લક્ઝરી બસમાં લાગેલી આગની ઘટનામાં એક મુસાફરનું મોત થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બસમાં ગુડ્સ પાર્સલ મુકનારા મજૂરની પોલીસે પૂછપરછ કરી. જેમાં સામે આવ્યું કે બસમાં ભોગ બનનાર દંપતીના સોફા નીચે પાર્સલ મુક્યુ હતું અને આ પાર્સલમાં એસીટ્રોન એસિડ હોવાનો અંદાજ હતો. એસીટ્રોન એસિડ હીરા સાફ કરવા અને કાચની સફાઈ માટે વપરાય છે.

કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજધાની ટ્રાવેલ્સની બસ આગ દુર્ઘટનામાં ભાવનગર ખાતે રહેતા વિશાલ નારાયણ નવલાની અને પત્ની તાન્યા દાઝી ગયા હતા. જે પૈકી તાન્યાનું મોત થઈ ગયું છે. આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે ડીક્કીમાં સૅનેટાઈઝરની બોટલો, ઈલેક્ટ્રિકનું સામાન,કોસ્મેટિક્સ આઈટમ્સ,કપડાં,શ્રીફળ,બંગડીઓ સહીત વસ્તુઓ હતી. જે તમામ કબજે કરવામાં આવી હતી

આગની ઘટના બાદ એફએસએલ દ્વારા ઘટના સ્થળ અને કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે માહિતી આપી હતી કે બસમાં 12 જેટલા મુસાફરો હતા. અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો- Winter 2022: કાતિલ ઠંડીથી ઠુઠવાવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ કોલ્ડવેવ, કચ્છ-નલિયામાં સિવિયર કોલ્ડવેવ રહેશે

આ પણ વાંચો- Corona: ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, જો કે મોતના આંકડા ડરામણા

Next Video