સોનાના ભાવ ભલે રોજેરોજ વધી રહ્યા હોય, પરંતુ ભાઈ અને બહેનનો પ્રેમ તેના કરતાં પણ વર્ષો જૂનો અને અમૂલ્ય છે. કદાચ આ જ કારણ છે કે સુરતમાં આ રક્ષાબંધનના પર્વને લઈને બજારોમાં સોના, ચાંદી અને પ્લેટિનમની રાખડીઓની ધૂમ જોવા મળી રહી છે. સોનાના ભાવ ઊંચા હોવા છતાં ગ્રાહકોમાં સોના અને ચાંદીની રાખડીઓની માંગ યથાવત જોવા મળી રહી છે.
ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને સુરતના વિવિધ જ્વેલર્સ દ્વારા સોનાના ઊંચા ભાવ વચ્ચે પણ ભાઈ માટે કંઈક ખાસ આપવાની ઈચ્છા ધરાવતા ગ્રાહકોની માંગને અનુરૂપ માત્ર 200 મિલીગ્રામથી શરૂ થતી સોનાની રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. અલગ અલગ ડિઝાઇન અને વેરાયટીમાં ઉપલબ્ધ આ રાખડીઓની કિંમત આશરે ₹4,000 થી શરૂ થઈને લાખો રૂપિયા સુધી પહોંચી રહી છે.
મોંઘવારી પોતાની જગ્યાએ છે, પરંતુ ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધ સામે તેની કોઈ કિંમત નથી. ખાસ વાત એ છે કે રક્ષાબંધન બાદ આ ગોલ્ડ રાખડીનો પેન્ડન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એટલે ભાઈના કાંડા પર બંધાતી આ રાખડી માત્ર એક તહેવાર પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ વર્ષો સુધી પ્રેમની યાદ બનીને સાથે રહી શકે છે.