Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે, જુઓ Video
સુરતમાં ભાજપ મહિલા નેતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આપઘાતની ઘટનાને લઈને મૃતક મહિલાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારે આ આપઘાત નહીં પણ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાના નેતાના ઘર બહારના CCTV પણ સામે આવ્યા છે.
સુરતના અલથાણમાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દીપિકા પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાતની ઘટનાને લઈને મૃતક મહિલાના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારે આ આપઘાત નહીં પણ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
પરિવારે આરોપ લગાવ્યો છે કે મહિલાએ ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે કોઇપણ દુપટ્ટો ન હતો. ઘટના સમયે મહિલાના પતિ ખેતર હતા અને ઘરમાં માત્ર બાળકો અને કોર્પોરેટર ચિરાગ પટેલ અને આકાશ પટેલ હાજર હોવાનો પરિવારે દાવો કર્યો છે. કોર્પોરેટર ચિરાગ પટેલ અને આકાશ પટેલે સૌપ્રથમ પોલીસને જાણ કરવાને બદલે મૃતદેહને નીચે ઉતાર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
મહિલાના નેતાના ઘર બહારના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં સિચન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય આકાશ નામનો શખ્સ મહિલા નેતાના ઘરમાં જતા નજરે પડી રહ્યા છે. જો કે, આવા આક્ષેપો સામે કંઈ પણ કહેવાનું કોર્પોરેટરે ટાળ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. મહિલા આગેવાને આત્મહત્યા કેમ કરી તે અંગે ઘૂંટાતું રહસ્ય છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
