દ્વારકા: સલાયા ગામે રખડતાં ઢોરનો આતંક, આખલો ફરસાણની દુકાનમાં ઘુસ્યો- જુઓ CCTV Video
દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રખડતાં ઢોરો બેફામ બન્યા છે. મુખ્ય બજારમાં આખલાઓના યુદ્ધ દરમિયાન તેઓ સીધા એક ફરસાણની દુકાનમાં ઘુસી ગયા, જેના કારણે દુકાનનો સામાન વેરવિખેર થયો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. વારંવાર થતી આવી ઘટનાઓથી વેપારીઓ અને સ્થાનિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.
દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જાહેર માર્ગો અને મુખ્ય બજારોમાં આખલાઓ બેફામ બની ફરતા હોવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. તાજેતરમાં સલાયા ગામના મુખ્ય બજારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધ દરમિયાન એક આખલો સીધો એક ફરસાણની દુકાનમાં ઘુસી ગયો હતો. આખલો દુકાનમાં ઘુસતાં જ ત્યાં રાખેલો ફરસાણ અને અન્ય સામાન વેરવિખેર થઈ ગયો, જેના કારણે વેપારીને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
આ સમગ્ર ઘટનાની દ્રશ્યો દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આખલાઓના આતંકથી બજારમાં અફરાતફરી મચી ગઈ છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓનું કહેવું છે કે મુખ્ય બજારોમાં વારંવાર આખલાઓ વચ્ચે થતા યુદ્ધને કારણે તેઓ ત્રસ્ત થઈ ગયા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના પછી જ તંત્ર જાગશે? કે પછી રખડતાં ઢોર સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે? હાલ તો સલાયા ગામના લોકો તંત્રની કાર્યવાહી તરફ આશા રાખીને બેઠા છે.