સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેધમહેર, જુઓ વીડિયો
શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના ખાંભામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં શનિવારને 4 જુલાઈના સવારના 6 વાગ્યાથી રવિવાર 5 જુલાઈ સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 196 તાલુકામાં મેધમહેર થવા પામી છે. જો કે, વિતેલા 24 કલાકમાં સૌથી વઘુ વરસાદ અમરેલીના ખાંભામાં 7.76 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમરેલીના રાજુલામાં પણ 6.73 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ઉનામાં 6.42 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. નવસારીના ગણદેવીમાં 6.18 ઇંચ અને ચીખલીમાં 5.67 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 25 તાલુકામાં 1 ઇંચથી લઈને પોણા સાત ઇંચ સુધી વરસાદ વરસી ચૂક્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે તેની તમામ આંકડાકીય વિગતો પર એક નજર કરીએ તો ઉનામાં 6.42 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવામાં 6.06 ઇંચ વરસાદ વરસ્યો છે. જાફરાબાદમાં 3.90 ઇંચ અને સાવરકુંડલા, અમરેલીમાં પણ 3.54 ઇંચ વરસાદ વરસ્યો છે. 3 ઇંચથી લઈને 7 ઇંચ સુધી અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે તેને કારણે અહીં જળબંબાકારની પરિસ્થિતિ છે.
દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદના આંકડાઓ જાણીએ તો નવસારીમાં ગણદેવી ખાતે 6.18, ચીખલીમાં 5.67, જલાલપોરમાં 4.84, નવસારી શહેરમાં 4.80 અને ઓલપાડ, સુરતમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતના આ તમામ આંકડાકીય માહિતી પરથી એ પણ સ્પષ્ટ છે કે છેલ્લા એક અઠવાડિયાથી અહીં અનરાધાર વરસાદ હજુ પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન પર અસર વર્તાઈ રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં એટલે કે એક અઠવાડિયા સુધી તો અવિરત વરસાદ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

