OMICRON : ગુજરાતમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર, વિદેશથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ નેગેટિવ
હાઈરિસ્ક દેશમાંથી આવ્યાં હોવા ઉપરાંત કોરોના પોઝીટીવ આવતા આ નાગરીકો ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત છે કે નહીં તેની તપાસ માટે આ નાગરીકોના સેમ્પલ જીનોન સિક્વન્સ માટે મોકલવામાં આવ્યાં હતા.
OMICRON NEWS GUJARAT : ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોન અંગે રાહતના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં વિદેશથી અને ખાસ કરીને હાઈરિસ્ક દેશોમાંથી ત્રણ નાગરીકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાં હતા, જેમાં સુરેન્દ્રનગરના એક અને વડોદરાના બે નાગરિકોનો સમાવેશ થાય છે. હાઈરિસ્ક દેશમાંથી આવ્યાં હોવા ઉપરાંત કોરોના પોઝીટીવ આવતા આ નાગરિકો ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત છે કે નહીં તેની તપાસ માટે આ નાગરીકોના સેમ્પલ જીનોન સિક્વન્સ માટે મોકલવામાં આવ્યાં હતા. જે અંગે રાહતના સમાચાર સામે આવ્યાં છે કે આ નાગરિકો ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત નથી.
ગુજરાતમાં જામનગરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટનો કેસ નોધાયા બાદ સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. આવામાં 5 દિવસ પહેલા સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યાં હતા કે આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, તેમજ આ યુવકને સંક્રમિત કરનાર કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરીએન્ટ છે કે નહિ તેની તપાસ માટે વ્યક્તિના સેમ્પલ લઇ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનનો એક જ કેસ નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને તેમના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. તેમના પરિવાર 2 સભ્યોના રિપોર્ટ આવતીકાલે આવશે.
