સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ઉનાળુ પાક સારો થવાની આશા હતી પરંતુ એ આશા પર પણ કમોસમી વરસાદે પાણી ફેરવી દીધુ છે. ખેડૂતોને આ સિઝનમાં પણ મોઢા સુધી આવેલો કોળિયો જાણે છીનવાયો છે.
રાજકોટના ધોરાજીના ખેડૂતોએ ઉનાળુ પાકમાં મગફળી, સોયાબીન, એરંડા, તલ અને મગ જેવા પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ તેના પર કમોસમી વરસાદને કારણે પાણી ફરી વળ્યું છે. સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને પડતા પર પાટુ પડ્યુ છે. ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ એક વીઘા દીઠ 5000થી 6000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ માવઠાને કારણે ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે.
આ પણ વાંચો: Gujarati video: અમરેલીના વડિયા, ભટવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાથી ઠંડક પ્રસરી
ગોંડલમાં પડેલા માવઠાએ ફરી એક વખત ખેડૂતોની મુશ્કેલી વધારી. યાર્ડની બેદરકારીને કારણે ખેડૂતોને ફરી આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો. ગોંડલ પંથકમાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો. જેના કારણે યાર્ડમાં ખુલ્લા પડેલી ખેડૂતોની જણસ પલળી ગઇ. મુખ્યત્વે મરચા, ડુંગળી, તલ, મગ અને અડદ સહિતના વિવિધ પાકોમાં વરસાદી પાણી ફરી વળ્યા.
યાર્ડમાં ખુલ્લામાં રહેલી બોરીઓ પલળી ગઇ. પરિણામે ખેડૂતોને ફરી મોટું નુકસાન થયું. મહત્વનું છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં અગાઉ પણ માવઠાને કારણે ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઇ હતી. હવામાન વિભાગ દ્વારા સતત માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં યાર્ડ દ્વારા ખેડૂતોની જણસીને વરસાદથી બચાવવાની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પરિણામે યાર્ડની બેદરકારીનો ભોગ ખેડૂતોએ બનવું પડે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…