Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો
ધોરાજીના રામપરા વિસ્તારના લોકોએ રસ્તા વચ્ચે બેસીને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.લોકોનો આક્ષેપ છે કે, દાયકાઓ બાદ પણ રામપરા વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જેના લીધે ઈમરજન્સી વાહનોને પણ નીકળવું મુશ્કેલ બન્યું છે.
રાજકોટ(Rajkot) જિલ્લાના ધોરાજીમાં(Dhoraji) બિસ્માર માર્ગોના(Road) કારણે વાહનચાલકો અને લોકોની હાલત ભારે કફોડી બની છે.ખરાબ રસ્તાના કારણે તંત્ર સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને ધોરાજીના રામપરા વિસ્તારના લોકોએ રસ્તા વચ્ચે બેસીને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.લોકોનો આક્ષેપ છે કે, દાયકાઓ બાદ પણ રામપરા વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત છે.રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર છે કે, ઈમરજન્સી વાહનોને પણ નીકળવું મુશ્કેલ બન્યું છે.લોકોનું કહેવું છે કે પાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંને શાસનમાં આવ્યા, પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
આ ઉપરાંત ધોરાજીમાં કોંગ્રેસ શાસિત પાલિકા દ્વારા ધોરાજીની જનતા પર ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ અને સફાઈ કરના નામે વેરાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા લોકોને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ધોરાજીમાં સફાઈ થતી નથી. ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે.
ગંદકીના ગંજને ગંજ ખડકાયેલા છે. સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. ત્યારે આવા સમયે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાની જગ્યાએ કોરોનાના કપરા કાળમાં કરવેરાના નામે 840 રૂપિયા વધારી અને પ્રજાને ડામ આપ્યો છે. જેને લઇ ધોરાજીના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને સ્થાનિકો આ વેરો તાત્કાલિક ધોરણે પાછો ખેચવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં નરોડાના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન, નાગરિકોમાં આક્રોશ