રાજકોટના ભેળસેળિયા તત્વો સામે થશે હવે સીધી જ કાર્યવાહી, FSLના રિપોર્ટ પહેલા યુનિટને સીલ કરવા આદેશ, 6 મહિના કાર્યવાહીને લઈને ઉઠ્યા હતા સવાલ
તાજેતરમાં tv9એ પ્રસારીત કરેલા અખાદ્ય ચણાના અહેવાલ બાદ રાજકોટ મનપા હરકતમાં આવ્યુ છે અને ભેળસેળિયા તત્વો સામે સીધી જ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ ભેળસેળિયા તત્વો પકડાશે તો જે તે યુનિટને તાત્કાલિક સીલ કરવામાં આવશે.
રાજકોટમાં અખાદ્ય ચણાને લઈને તાજેતરમાં TV9 ગુજરાતીએ પ્રસારીત કરેલા અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફુડ વિભાગ હરકતમાં આવ્ચુ છે અને ભેળસેળિયા તત્વોને નાથવા માટે મોટો નિર્ણય કર્યો છે. હવે જો આવા ભેળસેળિયા તત્વો પકડાશે તો તેમની સામે સીધી જ કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અખાદ્ય વસ્તુ પકડાશે તો તાત્કાલિક ધોરણે જે તે યુનિટને સીલ કરવામાં આવશે. FSLના રિપોર્ટ પહેલા યુનિટને સીલ કરવાની કામગીરી કરવામાં આવશે.
મહત્વનું છે કે, તાજેતરમાં અખાદ્ય દાબેલા ચણાનું ઉત્પાદન કરતા યુનિટ પર RMCએ કાર્યવાહી કરી અને આશા ફૂડ્સ અને જે.કે. ફૂડ્સ નામના એકમને સીલ કર્યું હતું. જો કે અગાઉ ફરાળી વાનગીઓના લેવાયેલા નમૂનાના રિપોર્ટને લઈ 6 મહિના બાદ કાર્યવાહી કરાઈ હતી. જેને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે હવે RMCના આ નિર્ણયથી બેફામ ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
ફુડ શાખા દ્વારા 5200 કિલો અખાદ્ય ચણાનો નિકાલ કરાયો
મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીના જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ગત સપ્તાહે આશા ફુડ્સ પેઢીમાંથી 5200 કિલો દાબેલા ચણાનો જથ્થો અખાદ્ય મળી આવ્યો હતો. આ પેઢી દ્વારા કોઈપણ પ્રકારના લાઈસન્સ વગર ઉત્પાદન કરવામાં આવતુ હોવાનુ સામે આવ્યુ હતુ. આ તમામ જથ્થાનો નિકાલ કરી સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન સામે આવ્યુ કે તેમા દાજિયુ તેલ, શંખજીરુ પાઉડર મિક્સ કરાતો હતો. તેમજ ફુગાઈ ગયેલા ચણાનો જથ્થો પણ મળ્યો હતો.
જેકે સેલ્સ અને આશા ફુડ્સ પેઢીને આગામી આદેશ સુધી કરાઈ સીલ
ત્યારબાદ નાયબ કમિશનરના આદેશ અનુસાર જીપીએમસી 1949ની કલમ 376-એ અંતર્ગત જેકે સેલ્સ અને આશા ફુડ્સ નામની પેઢીઓને નવો આદેશ ન થાય ત્યાં સુધી સીલ કરવામાં આવી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો