રાજકોટ અગ્નિકાંડ પીડિત પરિવારોએ રજૂ કરી 12 માગ, કહ્યું જો માંગણી નહીં ઉકેલાય તો રાજકોટથી સીએમ આવાસ સુધી કૂચ કરાશે

| Edited By: | Updated on: Jul 10, 2024 | 6:23 PM

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારજનો આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાનને મળ્યા હતા. આ મુલાકાત બાદ, પીડિત પરિવારના સભ્યે કહ્યું કે, સરકાર સાથે હોવાની વાત કરે છે, પરંતુ લેખિતમાં કાંઈ આપતી નથી.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગ્નિકાંડના પીડિત પરિવારજનોએ આજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પીડિત પરિવારોએ સરકાર સમક્ષ 12 માગ રજૂ કરી હતી. જો આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પીડિત પરિવારો રાજકોટથી ગાંધીનગર સીએમ હાઉસ સુધી કૂચ કરશે.

પીડિત પરિવારે એમ પણ કહ્યું હતું કે, આજની મુલાકાતમાં મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું કે સરકાર તમારી જોડે છે. પરંતુ લેખિતમાં બાંહેધરી માગી તો સરકારે આપી નથી. Trp ગેમીગ મામલે એક કમિટી બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના બે નિવૃત જજ, ગુજરાત હાઇકોર્ટેના નિવૃત બે જજ સહિત એક સિવિલ કોર્ટના નિવૃત મહિલા જજનું તપાસ પંચ બનાવવામાં આવે. સુજાતા મજૂમદાર, અને નિર્લિપ્ત રાયનો કમિટીમાં સમાવેશ કરવામાં આવે. આ કમિટી 6 માસમાં તપાસ કરીને રિપોર્ટ આપે. ભાજપના કાઉન્સિલર સહિત ધારાસભ્યની સંડોવણી નીકળી તો પગલાં ભરીને એસીબી અને સીબીઆઈ તપાસ કરાવાય. જુના અને નવા કાયદા પ્રમાણે, અપરાધીને મૃત્યુ દંડ  આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

તક્ષશીલા, મોરબી કાંડ, હરણી બોર્ટ કાંડ સહિત અન્ય કાંડમાં બેજવાબદાર અધિકારીઓની કામગીરી સામે આવી છે, જેથી તેમની મિલકતની તપાસ થાય અને કડક પગલાં ભરવામાં આવે. મૃત્યુ પામનારાના પરિવારને 50 લાખથી વધુ આર્થિક સહાય કરવામાં આવે. જવાબદારોને સસ્પેન્ડ કરવાથી કશુ નહીં થાય તેમ જણાવતી પીડિત પરિવારજનોએ કહ્યું કે, સસ્પેન્ડ કરેલા અધિકારીઓ 6 માસ પછી નોકરી પર પરત આવશે. જવાબદારને નોકરીમાંથી કાઢી મૂકો અને જેલમાં નાખો, જેણે પરિવારના સભ્યો ખોયા હોય તેમને પૂછો કે પીડા કેવી હોય છે.