Rajkot: ધ્રાંગધ્રાના પ્રભારી વલ્લભ દૂધાત્રાની ઓફિસે પોલીસ પહોંચતા વિવાદ, દૂધાત્રાએ ગણાવ્યુ આપ-કોંગ્રેસનું ષડયંત્ર

|

Oct 08, 2022 | 5:11 PM

Rajkot: રાજકોટ પૂર્વના અગ્રણી નેતા અને ધ્રાંગધ્રાના પ્રભારી ભાજપ નેતા વલ્લભ દૂધાત્રાની ઓફિસે તપાસ માટે પોલીસ પહોંચતા વિવાદ થયો છે. ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાનુ કહીને તપાસ માટે પોલીસ પહોંચી હતી. જો કે આ સમગ્ર ઘટના પાછળ ભાજપના સિનિયર આગેવાનનો હાથ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ (BJP) માં જ આંતરિક વિખવાદ શરૂ થયો છે. રાજકોટ (Rajkot) પૂર્વના ભાજપના અગ્રણી નેતા અને ધ્રાંગધ્રાના ભાજપ પ્રભારી વલ્લભ દૂધાત્રા (Vallabh Dudhatra)ની ઓફિસે તપાસ માટે પોલીસ પહોંચતા વિવાદ થયો. વલ્લભ દૂધાત્રાની ઓફિસે ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાનું કહીને પોલીસ પહોંચી હતી અને ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ભાજપના સિનિયર આગેવાનના કહેવાથી પોલીસ પહોંચી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આ સમગ્ર બાબતે વલ્લભ દૂધાત્રાએ ખૂલાસો કર્યો અને કહ્યુ કે ચૂંટણી નજીક હોવાથી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસે બદનામ કરવાનુ ષડયંત્ર રચ્યુ છે. આમાં ભાજપનો કોઈ હાથ નથી, સાથે જ કહ્યુ કે આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી કોના દ્વારા ફરિયાદ કરવામાં આવી તે અંગે માહિતી માગી છે.

અમારા સંવાદદાતાએ આ અંગે વલ્લભ દૂધાત્રા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ કે ઓફિસે પોલીસ આવી એ સમયે તેમની તબિયત સારી ન હોવાથી તેઓ ઓફિસ ન હતા. સાંજના સમયે 8 વાગ્યા આસપાસ પોલીસ ઓફિસ પહોંચી હતી અને ગેરપ્રવૃતિ થતી હોવાની બાતમી હોવાનુ જણાવ્યુ હતુ અને તપાસ કરીને ત્યાંથી નીકળી ગઈ હતી.

જો કે ભાજપના આગેવાનની ઓફિસ સુધી અચાનક પોલીસ પહોંચી જતા કોઈની સૂચનાથી પોલીસ ગઈ હોય તેવો આક્ષેપ વલ્લભ દૂધાત્રાએ કર્યો છે. પોલીસ પાસે પણ તેમણે જે વ્યક્તિએ ફરિયાદ કરી હોય તેમની ડિટેલ્સ આપવા જણાવ્યુ છે. જો કે ભાજપના કોઈ આંતરિક વ્યક્તિ આ ઘટનાક્રમ પાછળ હોવાની વાતને તેમણે રદિયો આપ્યો હતો. આ અંગે તેમણે શહેર ભાજપ પ્રમુખને જાણ કરી છે તેમ જણાવ્યુ હતુ. તો બીજી તરફ ધ્રાંગધ્રા સીટ પરથી તેઓ પ્રબળ ઉમેદવાર છે ત્યારે તેમને બદનામ કરવાનુ ષડયંત્ર હોઈ શકે કે કેમ તે અંગે પણ વલ્લભ દૂધાત્રાએ કંઈ બોલવાનો ઈનકાર કર્યો હતો.
ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Next Video