Rajkot: ધોરાજીની શાન એવી સફુરા નદીમાં પ્રદુષિત પાણી ઠલવાતું હોવાના દાવા, સામાજિક કાર્યકર અને યુવાનોએ નદીની કરી સફાઈ, જુઓ Video

|

Jun 05, 2023 | 9:05 PM

રાજકોટના ધોરાજીની શાન એવી સફુરા નદી પ્રદુષિત હોવાથી નદીનું પાણી પીવાલાયક નહીં હોવાનું લોકો જણાવી રહ્યા છે. સફુરા નદીના કિનારે ગંદકીના ઢગને લઈ સ્થાનિકોએ તંત્રને ફરિયાદ કરી છે. રજૂઆત છતાં સ્થાનિક તંત્ર બેધ્યાન હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.

Rajkot: સરકાર વિશ્વ પર્યાવરણ દિવસ પર અનેક કાર્યક્રમો કરે છે અને તેની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો પણ કરે છે. પર્યાવરણ બચાવો અને પાણી બચાવો જેવા અભિયાન કરે છે, તેના માટે સમિતિઓ પણ બનાવે છે. પરંતુ આ બધું જ કાગળ પર હોવાના ધોરાજીના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ધોરાજીના મધ્યમાંથી સફુરા નદી પસાર થાય છે.

આ નદીનું પાણી એટલું બધુ પ્રદુષિત અને ઝેરી છે કે તેનો ઉપયોગ ન તો પીવામાં થઈ શકે તેમ છે, ન તો વાપરવામાં. નદીનું પાણી એટલું ઝેરી છે કે કોઈ પ્રાણી પણ તે પીવે તો મોતને ભેટે અથવા તો બીમાર પડે. જેને લઈ સ્થાનિકોનો આક્ષેપ છે કે સફુરા નદીની સફાઈ અને તેના વિકાસ માટે સ્થાનિક તંત્રથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરાઈ છે, પરંતુ આજ દિન સુધી નદીનું સફાઈ કામ કરવામાં નથી આવ્યું.

તંત્રને રજૂઆત કર્યા બાદ પણ જ્યારે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે સફુરા નદીને સાફ કરવાનું બીડું અહીના સામાજિક કાર્યકર અને યુવાનોએ ઝડપ્યું છે. જેમણે નદીની આજુબાજુમાં એકત્ર થયેલા કચરાની સાફસફાઈ કરી. વિશ્વ પર્યાવરણ દિવસના સૂત્રને સાર્થક કરવા યુવાનો ધોમધખતા તડકામાં પણ સફાઈ કરતા જોવા મળ્યા. સામાજિક કાર્યકર્તાઓ પણ તંત્રની ઉદાસીનતાથી નારાજ છે અને માગ કરી રહ્યા છે કે ધોરાજીની શાન ગણાતી એવી સફુરા નદીની સફાઈ થાય અને તેને પ્રદુષણ મુક્ત કરવામાં આવે છે.

આ પણ વાંચો : રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજ પર ગાબડું પડવા મુદ્દે Tv9ના અહેવાલની અસર અધિકારીઓએ સમારકામ કરવા આપી બાંહેધરી, જુઓ Video

સફુરા નદીની ગંદકી અને તેમાં ઠલવાતા પ્રદુષણ અંગે જ્યારે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે હાલ પ્રિ-મોન્સૂનની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શહેરના વિવિધ નાળાની સફાઈ કરવામાં આવી રહી છે. જે બાદ નદીમાં પણ સફાઈ કરવામાં આવશે અને નદીને પ્રદુષિત કરતા તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video