રાજકોટ: ચૂંટણી પૂરી થતા જ ભીમનગરમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 33 મિલકતો તોડી પડાઈ

| Edited By: | Updated on: May 12, 2026 | 5:55 PM

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ભીમનગર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વહીવટી પ્રક્રિયા અને નોટિસોની મુદત પૂર્ણ થયા બાદ, આજે વહેલી સવારથી વિજિલન્સના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 33 જેટલા ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની હથોડો ઝીંકવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ (TP) શાખા ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના કાલાવડ રોડ પર આવેલ ભીમનગર વિસ્તારમાં લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની ઓપરેશન આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે.

33 મિલકતો પર ચાલી કાર્યવાહી

ભીમનગર વિસ્તારમાં અંદાજે 33 જેટલા ગેરકાયદે બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ મિલકતોને લઈને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવાની અને ત્યારબાદ અંતિમ નોટિસ આપવાની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે આજે મનપાના કાફલાએ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

ડિમોલિશન દરમિયાન કોઈ પણ પ્રકારનો વિરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ શાખાની ટીમનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. સુરક્ષાના પૂરતા બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મેટામાં ફરી સર્જાશે બેરોજગારી : 8,000 કર્મચારીઓ ગુમાવશે નોકરી, માર્ક ઝુકરબર્ગે એવું તો શું કહ્યું કે આખું ટેક જગત ફફડી ઉઠ્યું ?

Follow Us