રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક કલહ, અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં મેન્ડેટ આપવાથી લઈને મતદાન સુધી હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેમા ભાજપના જ બે જૂથ આમને સામને જોવા મળ્યા હતા. જેમા એક રાદડિયા જૂથ અને બીજુ પ્રશાંત કોરાટનુ જૂથ ચૂંટણી લડી રહ્યુ હતુ. જેમા રાદડિયા જૂથની જીત થઈ છે. જો કે હવે આ ચૂંટણી સમાપ્ત થયા બાદ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે.
શરૂઆતથી લઈને અંત સુધી વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બનેલી રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં હવે ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરનાર ચાર આગેવાનો વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી છે. જેમા વિજેતા ઉમેદવાર વિજય સખિયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઈસ ચેરમેન વિજય કોરાટ અને વાજડી ગ્રામ સેવા સહકારી મંડળના પ્રમુખ ભૂપતસિંહ જાડેજા વિરુદ્ધ અલ્પેશ ઢોલરિયાએ ફરિયાદ કરી છે. માધાપર જૂથ મંડળીની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાની પ્રદેશ અધ્યક્ષને જાણ કરાઈ છે.
આ તરફ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ વિજેતા ઉમેદવારને બળવાખોર કહેતા વિવાદ છેડાયો છે. બળવાખોર ગણાવાયેલા વિજેતા ઉમેદવાર વિજય સખીયા મીડિયા સમક્ષ આવ્યા અને અલ્પેશ ઢોલરિયા સામે પ્રહાર કર્યા હતા. સખિયાએ જણાવ્યુ કે “હું ભાજપમાં ન હોઉં તો મને ભાજપ કાર્યાલયમાં કેમ બોલાવાયો? અલ્પેશ ઢોલરિયા તેમના માનીતાને સાચવી રહ્યા છે, હું 2016થી ભાજપનો સક્રિય સભ્ય છુ. મને પણ ભાજપે મેન્ડેન્ટ આપ્યો હતો, મારી પાસે મતદારો હોવા છતાં મને અન્યાય કરવામાં આવ્યો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો, “અલ્પેશ ઢોલરિયા અને જિલ્લા ભાજપના પ્રભારી ભરત આર્ય જિલ્લામાં પક્ષને તોડી રહ્યા છે. આવા જિલ્લા ભાજપ પ્રમુખને બદલવા જોઇએ. આ તરફ તેમણે પણ સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથાનો વિરોધ કર્યો અને કહ્યુ કે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રક્રિયા ન હોવી જોઈએ.
તેમણે જયેશ રાદડિયાની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યુ કે આ ચૂંટણીમાં જયેશ રાદડિયાની કોઇ ભૂમિકા નથી. રાદડિયા સાથે પારિવારિક સબંધ હોવાથી મને રાદડિયા જૂથના ગણે છે. મને અન્યાય થયો એટલે મેં ફોર્મ ભર્યું હતુ.
Input Credit- Mohit Bhatt- Rajkot
