રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો સૌથી વધુ 4 ઈંચ વરસાદ- Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી મૌસમ જામી છે. વિરામ બાદ ફરી વરસાદે જમાવટ શરૂ કરી છે. આજે રાજ્યના 149 તાલુકામાં વરસાદ પડ્યો જેમા નર્મદાના સાગબારામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના 149 તાલુકામાં વરસાદ વરસ્યો. નર્મદાના સાગબારામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો. આ તરફ સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને રાજકોટમાં જિલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ ખાબક્યો. જેમા ધોરાજીમાં પોણા 4 ઈંચ વરસાદથી પાણી ભરાયા. તો જુનાગઢ શહેર અને જિલ્લામાં સવા 3 ઈંચ વરસાદ ખાબક્યો. બનાસકાંઠાના દાંતા અને સાબરકાંઠાના વડાલીમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. 12 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો. 35 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો.
આ તરફ રાજકોટના જસદણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ ભાદર ડેમમાંથી પાણી છોડતા ભાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેતપુરનો બેઠી ધાબી પર પૂલ પાણીમાં ગરકાવ થયો. ઉપલેટા તાલુકાના તેલંગણા ગામે 2 કલાકમાં 7ઇંચ વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. જુનાગઢમાં ગિરનાર પર્વત પર વરસાદી માહોલથી સીડી પર ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો. જુનાગઢના માણાવદરમાં શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો. માણાવદર શહેરમાં 2 કલાકમાં 1ઇંચથી વધુ વરસાદ થયો. ગીર સોમનાથના વેરાવળ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા પાકને જીવનદાન મળ્યું.