દરેક તાલુકામાં કપાસના 2 ખરીદ કેન્દ્રો રાખવા, જરૂર પડે નોંધણીની તારીખ લંબાવવા રાધવજી પટેલનુ સીસીઆઈને સુચન

દરેક તાલુકામાં કપાસના 2 ખરીદ કેન્દ્રો રાખવા, જરૂર પડે નોંધણીની તારીખ લંબાવવા રાધવજી પટેલનુ સીસીઆઈને સુચન

| Edited By: | Updated on: Oct 07, 2025 | 7:34 PM

ગુજરાતના કૃષિ મંત્રીએ CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટેના આયોજનની સમીક્ષા કરી હતી. સમિક્ષા બેઠકમાં કપાસ ઉગાડતા ખેડૂતોને લઈને સીસીઆઈના ખરીદ કેન્દ્રો બાબતે ચર્ચા વિચારણા કરી હતી. રાધવજી પટેલે, સીસીઆઈને કેટલીક સૂચનાઓ પણ આપી હતી.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટેના આયોજનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

ભારત સરકાર દ્વારા કપાસ માટે રૂ. 8060 પ્રતિ કિવન્ટલ એટલે કે, રૂ. 1612 પ્રતિ મણ ટેકનો ભાવ જાહેર કર્યો છે. જેની સામે હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવની સરખામણીએ રૂ. 800 થી રૂ. 1000 પ્રતિ ક્વિન્ટલ ઓછો છે. આવી સ્થિતિમાં મહત્તમ ખેડૂતો કપાસનું ટેકાના ભાવે વેચાણ કરવા આવવાની સમભાવના હોવાથી ખેડૂતોને કોઇપણ મુશ્કેલી ના પડે તે સુનિશ્ચિત કરવા કૃષિ મંત્રીએ સૂચના આપી હતી.

કપાસની ટેકાના ભાવે ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા કૃષિ મંત્રીએ સૂચન કર્યું હતું. ટેકાના ભાવે કપાસના વેચાણ માટે હાલ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 31 ઓક્ટોબર સુધી ચાલશે. કપાસના બજાર ભાવ ઓછા હોવાથી ખેડૂતોના રજીસ્ટ્રેશનની તારીખ જરૂર જણાય તો, લંબાવવા માટે પણ મંત્રીએ CCIના અધિકારીઓને ભલામણ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.