ખાખીનો ખોફ કે ગુંડાગીરી? બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક, વાહનચાલક સાથે કરી ગંદી ગાળાગાળી – જુઓ Video

| Edited By: | Updated on: May 03, 2026 | 3:39 PM

ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મીએ કાયદાની તમામ મર્યાદાઓ નેવે મૂકીને એક સામાન્ય વાહનચાલક પર પોતાનો પિત્તો ગુમાવ્યો છે. વાહનચાલક સાથે ગંદી ગાળાગાળી અને મારપીટના આક્ષેપોએ ખાખીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે.

લોકોના રક્ષણ માટે જેમને વર્દી સોંપવામાં આવી છે, તે જ રક્ષકો હવે ભક્ષક બની રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ચેકિંગ દરમિયાન પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. વાવ-થરાદ હાઇવે પર પોલીસ અને એક વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ, થરાદ પોલીસ સ્ટેશનની હદમાં બોર્ડર પર વાહનોના ચેકિંગ દરમિયાન આ બબાલ થઈ હતી. વાયરલ વીડિયોમાં પોલીસકર્મી વાહનચાલકને તેનું નામ લખાવવા માટે દબાણ કરતો જોવા મળી રહ્યો છે. એવામાં જ્યારે યુવકે આ ઘટનાનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે મામલો વધુ ગરમાયો હતો. અંતે વીડિયો ઉતારવાના મુદ્દે પોલીસકર્મી અને વાહનચાલક વચ્ચે જોરદાર તકરાર થઈ હતી. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસકર્મીએ ફરજ દરમિયાન વાહનચાલક સાથે અભદ્ર ગાળાગાળી કરી હતી અને યુવકને લાફા પણ ઝીંક્યા હતા.

વાહનચાલક સાથે ગંદી ગાળાગાળી અને મારપીટના આક્ષેપોએ ખાખીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. સૌથી મોટો સવાલ એ જ છે કે, શું પોલીસને જનતાની સેવા કરવા માટે રાખવામાં આવી છે કે પછી દાદાગીરી કરવા માટે? હાલ આ વીડિયો વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું પગલાં લે છે, તેના પર સૌની નજર છે.

Breaking News : અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પર કિન્નરે બનાવી રીલ બાદમાં કાર્યવાહી જુઓ Video

Follow Us